ભુજઃ કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા વિદેશના આમંત્રિતો, દાતાઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં ૮મી ડિસેમ્બરે એક દિવસીય કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની સર્વપ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ખાતમુહૂર્ત વિધિ કરાશે. આ હોસ્પિટલ કુદરતી ઊર્જા, ગ્રીન ટેકનોલોજી અને ઇકો ફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે રૂ. ૧૨૫ કરોડની માતબર ખર્ચે કાર્યાન્વિત થશે. પ્રથમ તબક્કે આ હોસ્પિટલ ૧૦૦ પથારીની રહેશે. જરૂરત પ્રમાણે વધારો કરાશે. આયુર્વેદ વિભાગ પણ સમાવિષ્ટ કરાશે.
હૃદયની બીમારીઓની, કેન્સર, કિડનીની સંપૂર્ણ સારવાર તથા તમામ પ્રકારની સર્જરીઓ ભુજમાં ઉપલબ્ધ થશે. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ, કિડની, તમામ પ્રકારના કેન્સરની સર્જરી તથા સારવાર રેડિયોથેરાપી, કીમો, તમામ પ્રકારના શેક દર્દીને સ્થાનિકમાં આપી શકાશે. એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ કહ્યું કે, દેશમાં વસતા તેમજ વિદેશવાસી હમવતનીઓ આ કાર્યમાં સાથ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, હાલની હોસ્પિટલ માટે કોટડીના મોમ્બાસાવાસી કચ્છી દાનવીર હસમુખભાઈ કાનજી ભુડિયા પરિવારે માતા મેઘબાઈ પ્રેમજી ઠેઢા ભુડિયાની સ્મૃતિમાં સ્વ. કેશવલાલભાઈ, પિતા કાનજીભાઈ, સ્વ. ભાઈ અરવિંદના ઔદાર્ય નામકરણ કર્યું હતું. જ્યારે સૂચિત સુપર સ્પેશિયાલિટી હોસ્ટિપલ માટે મૂળ સામદ્રાના આફ્રિકાવાસી ઉદ્યોગપતિ દાતા કે. કે. પટેલ તેમનાં પત્ની ધનબાઈ, પુત્ર દીપકભાઈ સમગ્ર પરિવારે ભુજ-મુંદરા હાઇ-વે પાસેના શનિમંદિર પાસે ભૂમિદાન કર્યું છે. સ્ટ્રકચર પણ તેઓ જ બાંધી દઈ મુખ્ય નાકરણ કરશે. આ ઉપરાંત પણ રૂ. ૭૫ કરોડ જેટલો અંદાજિત ખર્ચ અત્યાધુનિક નિદાન મશીનરી વસાવવા થનાર છે તે માટે વિભાગવાર નામકરણ દાન લેવામાં આવી રહ્યું છે. કચ્છના કોઈપણ જ્ઞાતિ સમાજના દિલેર દાતાઓ આ મહાકાર્યમાં જોડાઈ શકે છે. કુલ અંદાજે રૂ. ૧૨૫ કરોડનો અંદાજિત ખર્ચ આ આરોગ્યધામ સર્જવા થવાનો છે. તે માટે યુ.કે., આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અખાતી દેશો તેમજ સ્થાનિક કચ્છ-બૃહદ કચ્છના દાનવીરોનો નોંધપાત્ર સાથ મળી રહ્યો છે.