ભુજઃ કચ્છની કેડીસીસી બેંકના કરોડો રૂપિયાના લોન કૌભાંડના બીજા એક કેસમાં સીઆઈડી ક્રાઈમની ટીમે રૂ. ૪.૧૭ કરોડના લોન કૌભાંડ અંગે જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાની ધરપકડ તાજેતરમાં કરી હતી. કોર્ટમાં જયંતી ડુમરાના રિમાન્ડની માગ થતાં ૯મી માર્ચ સુધીના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
લોન કૌભાંડના બીજા કેસમાં ભાજપનું મોટું માથું ગણાતા જયંતી ડુમરાની ધરપકડથી ફરી એક વખત જિલ્લાના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.ભાજપી પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં ગળપાદર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા જયંતી ડુમરાને સંડોવતું સહકારી ક્ષેત્રમાં સહુથી મોટું આર્થિક કૌભાંડ ગણી શકાય તેવા કેડીસીસી બેંકના રૂ. ૧૬.૬૬ કરોડના લોન કૌભાંડમાં અનેક મોટા માથા સંડોવાયાનું કહેવામાં આવે છે.
જયંતી આણી મંડળીએ છછી ગામની ભાવેશ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોના નામે આચરાયેલા રૂ. ૪,૧૭,ર૯,૬પ૩ના કૌભાંડ અંગે સીઆઈડી ક્રાઈમે જયંતીને ગળપાદર જેલમાંથી જ પકડીને પૂછપરછ હાથ ધરી હતી. ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજો લેવાયા બાદ જયંતી ડુમરાને કોર્ટમાં રજૂ કરાયો હતો. આ કેસમાં મંડળીના પ્રમુખ ભગવાનદાસ હરિરામ ઠક્કરની પણ આકરી તપાસ થવાના એંધાણ છે.