ગાંધીનગરઃ ભાજપના નેતા અને મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ લિ.ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને રૂ. ૪૧.૮૩ કરોડની ગેરરીતિના આરોપમાં રાજ્ય સરકારે નોટિસ ફટકારી છે. મહારાષ્ટ્રની મહાનંદા ડેરીને રૂ. ૨૨.૫૦ કરોડનું પશુદાન આપવામાં અનિયમિતતા અને સાગર ડેરીમાં રૂ. ૨.૦૬ કરોડના માલના સ્ટોકમાં ગેરરીતિ તેમજ ખાંડની ખરીદીમાં રૂ. ૧૭.૨૬ કરોડની ગેરરીતિ એમ કુલ રૂ. ૪૧.૮૩ કરોડની અનિયમિતતા આચરી હોવાનો રાજ્યના સહકાર વિભાગે તેમના પર આરોપ મૂક્યો છે.
વિભાગે વિપુલ ચૌધરીને ૨૭ જૂને હાજર રહીને ખુલાસો કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરાશે તેવી તાકીદ પણ કરી છે. અગાઉ અનિયમિતતાના આરોપ હેઠળ ચૌધરીને મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેનપદેથી હટાવાયા હતા. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતાં તેમને ત્રણ વર્ષ સુધી કોઈ પણ સરકારી હોદ્દે રહેવાની મનાઈ ફરમાવાઈ હતી.