અમદાવાદઃ કચ્છ એલસીબીને મળેલા નાના ઇનપુટ આધારે કચ્છમાં માત્ર બે હથિયારો સાથે ઝડપાયેલા માણસોના કેસની તપાસ બાદ કચ્છ એલસીબીએ અને એટીએસએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, ગાંધીધામ સહિત રેડ કરી હતી. આ ઘટનાક્રમમાં અમદાવાદના તરુણ ગન હાઉસના માલિક તરુણ દેવપ્રકાશ ગુપ્તા છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદે હથિયારો વેચવાનો કારોબાર ચલાવતો હોવાનું ખૂલતાં તેની ધરપકડ કરીને તેની પાસેથી ૧૪ હથિયાર કબજે કરાયા છે. આ સાથે જ ગુજરાત પોલીસે ૮૦ લાખથી વધુની કિંમતના હથિયારો અને અન્ય ૨૦ આરોપીઓની પણ ધરપકડ કરી છે. એટીએસએ ઈમ્પોર્ટેડ અને ભારતીય બનાવટના કુલ ૫૪, હથિયારો અને કારતૂસ સહિત કુલ રૂ. ૮૦ લાખથી વધુના હથિયારો સાથે ૯ આરોપીઓને પકડી પાડયા હતા.