ભુજઃ લંડન વસતા અને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર નોંધપાત્ર ફોલોઅર ધરાવતાં ‘સેલ્ફી ક્વીન’ કચ્છી યુવતી અનિતા પ્રકાશ હાલાઈ તાજેતરમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા વતન પહોંચ્યા હતાં. દહીંસરાના પરિવારની અનિતા યુકેમાં સોલિસીટર તરીકે સંપત્તિઓના કાયદાના ક્ષેત્રે સક્રિય છે. સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવતાં અનિતાએ જણાવ્યું કે, આજની યુવાપેઢીમાં ‘સેલ્ફી’ લેવાની બહુ ઘેલછા છે જોકે હું માનું છું કે સેલ્ફીનો ઉપયોગ આત્મવિશ્વાસ વધારવા માટે કરવો જોઈએ.
‘સેલ્ફી’થી સદાય હસતા રહેવા અને સૌને હસતા રાખવાની ફિલસૂફી સમજાવતાં અનિતાએ જણાવ્યું કે, સેલ્ફી લેવાતી હોય એ ક્ષણોમાં કમ સે કમ માણસ હસતો રહે છે. લંડનમાં જન્મેલાં અમિતા કહે છે કે ગુજરાતી ભાષા શીખી છું. ભારતમાં આવું ત્યારે મળતા પ્રેમમાંથી મારા દેશના સંસ્કારો સાથે જોડાવાની પ્રેરણા સતત મળતી રહે છે. વચનામૃતની સ્વામીનારાયણ ભગવાનની વાણી ગીતાની જેમ જીવન જીવતાં શીખવે છે તેવું અનિતા કહે છે.