ભુજઃ કચ્છી કોરિયોગ્રાફર કોમલ રાબડિયા કચ્છના આશાસ્પદ નૃત્ય ટેલેન્ટને ખિલવવા ૨૩મી એપ્રિલે ભુજમાં એક શો યોજી રહી છે. આલિશા જેવી પાંચ વર્ષની બાળાથી લઈને કેટલાય યુવાનો સહિત ૩૫ જૂથ શોમાં ભાગ લેશે. મૂળ કેરાની લંડનસ્થિત બોલિવૂડ કોરિયોગ્રાફર કોમલ રાબડિયાએ કહ્યું કે, હું માદરે વતનમાંના મારા ભાંડુઓની નવી પેઢીના કૌવતને દુનિયા સમક્ષ ઓળખ અપાવવા માગું છું. ગયા વર્ષે મેં ભુજમાં નૃત્યશિબિર યોજી ત્યારે ફ્રી ડાન્સ વિભાગમાં અમુક યુવક-યુવતીઓએ સુંદર રજૂઆત કરી હતી. મધ્યમ-ગરીબ પરિવારમાંથી આવતા બાળકોએ કલા રજૂ કરી ત્યારે તેમનામાં રહેલી ટેલેન્ટ બહાર આવી હતી.
મેં વિચાર્યું કે, હું પણ આ સુકા મુલક કચ્છની દીકરી છું, પણ મને તક મળી અને મારી રજૂઆત દુનિયા જુએ છે, વધાવે છે. તો હું પણ અન્ય વતનવાસીઓને તક આપવા આપવાનો પ્રયાસ કરીશ. આ કાર્યક્રમમાં ટી.વી.ના શોની જેમજ સિંગલ, કપલ અને ગ્રુપ ડાન્સની જેમ ત્રણ વિભાગમાં ત્રણ વિજેતા જાહેર કરાશે. તે પૈકી ગ્રાન્ડ પ્રાઈઝ ટ્રોફી અપાશે. ભુજના સહયોગ હોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં કોમલ ઉપરાંત બે અન્ય કોરિયોગ્રાફર નિર્ણાયક તરીકે હશે.