વિદેશવાસી કચ્છીઓ હંમેશા તેમના વતન પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતા હોય છે. કચ્છના વતની દિલીપભાઈ જયંતીલાલ જોશી ઘણા સમયથી યુકેમાં સ્થાયી થયા છે. તાજેતરમાં તેમણે ભૂજમાં સંબંધી પરેશભાઈ જોશી દ્વારા કિડની ડાયાલિસીસ કરાવતાં દર્દીઓની આર્થિક સમસ્યા અંગે જાણ્યું ત્યારે તુરત જ સંસ્થાને રૂ. ૨૫ હજાર આપ્યા હતા. આ ઉપરાંત સંસ્થાના મિતેશભાઈ શાહને અન્ય પ્રવૃત્તિ માટે રૂ. ૧૧ હજાર તેમ જ અંધશાળા ચિલ્ડ્રન હોમના બાળકો માટે ભોજનનું આયોજન કર્યું હતું. દિલીપભાઈએ જણાવ્યું હતું કે, ‘મેં વતનનું ઋણ ચૂકવ્યું છે. આ ડાયાલિસીસ અંગે દર્દીઓની વેદના લંડનમાં મારા મિત્રોને જણાવીને ભવિષ્યમાં વધુ અનુદાન આપવા પ્રયત્ન કરીશ.’
ભૂજ કોમ.બેન્કમાં રાજીનામા પ્રકરણનો અંતઃ ભૂજ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના કો-ઓપ્ટ કરાયેલા પ્રોફેશનલ ડાયરેકટર મહેન્દ્રભાઇ ડુંગરશી ઠકકરે પણ તેમનું રાજીનામું ગત સપ્તાહે પરત ખેંચી લેતાં બેન્કના રાજીનામાના આ વિવાદી પ્રકરણનો અત્યારે તો અંત આવ્યો છે. અગાઉ બેન્કના સાત ડાયરેકટર દ્વારા રાજીનામું ખેંચી લેવાયા બાદ પછી ઠક્કરે પણ પોતાનું રાજીનામું પાછું લીધું હોવાની બોર્ડને લેખિત જાણ કરી હતી. આ દરમિયાન સામૂહિક રાજીનામાના મુદ્દાનો અંત આવતા બેંકના સંચાલકોએ બોર્ડની બેઠક બોલાવવા સહિતની પ્રક્રિયા આરંભી છે.