અમદાવાદ: શહેરના શીખ ફાઉન્ડેશન દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકા ખાતે આશરે 13 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના સૌથી મોટા ગુરુદ્વારાનું નિર્માણ કરાશે. શીખ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રમજિત કૌરના જણાવ્યા અનુસાર, ગુજરાતના લખપત ખાતે ગુરુ નાનકજી પધાર્યાં હતા. ત્યારબાદ ત્યાં લાકડાનાં ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે હવે લખપત ખાતે ગુરુદ્વારાનું નિર્માણ કરાશે, જેમાં પ્રાચીન હસ્ત લિપિથી ગુરુવાણી તૈયાર કરાશે.
તેમણે કહ્યું હતું કે આ ઉપરાંત સંસ્થા દ્વારા તમામ વસ્તુઓને હેરિટેજ પ્રોપર્ટી તરીકે જાહેર કરાશે. ગુરુદ્વારાના ઉદઘાટન વખતે રાજ્યભરના તમામ શીખ સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવશે. આ ગુરુદ્વારામાં 400 વર્ષ જૂના ગુરુ નાનકજીની પાદુકાઓ તેમજ વસ્તુઓનું ભવ્ય મ્યુઝિયમ પણ તૈયાર કરાશે.
ખાવડાના પથ્થરનો ઉપયોગ થશે
શીખ ફાઉન્ડેશન તેમજ લખપત સંસ્થા દ્વારા નવા ગુરુદ્વારાનું નિર્માણ કાર્ય હાથ ધરાશે. આ સમગ્ર પ્રોજેક્ટ આશરે 13 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થશે. ગુરુદ્વારામાં ખાવડા પથ્થરનો ઉપયોગ કરાશે. નવનિર્માણના ભાગરૂપે મોટો દીવાન હોલ, લંગર અને વિશ્રામ હોલના નિર્માણ સાથે વિશાળ ગુરુદ્વારા તૈયાર કરાશે.