ભુજ: રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડતા હોય તેવો વીડિયો મુંદ્રા તાલુકામાં યોજાયેલા લગ્નપ્રસંગમાંથી તાજેતરમાં વાયરલ થયો છે. લગ્ન પ્રસંગમાં કેટલાક યુવાનો દારૂની બોટલો ખોલીને એકબીજાને દારૂથી નવડાવતા વીડિયોમાં દેખાય છે. છેલ્લા બે મહિનામાં પોલીસે કચ્છમાં જુદા જુદા સ્થળે દરોડા પાડીને કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડયો છે.
આમ છતાં આ રીતે પાર્ટીમાં દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ થવાથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોને લઈને કચ્છ, બનાસકાંઠા અને પાટણ રેન્જના આઈજી સુભાષ ત્રિવેદીએ તાબડતોબ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ કરવાના આદેશો આપ્યા છે. આ અંગે પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબિયાના જણાવ્યા પ્રમાણે જે વીડિયો વાયરલ થયો છે તેને લઈને ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, મુંદ્રા પોલીસ અને એલસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં જે પણ કોઈ ગુનેગાર છે તેની સામે પ્રોહિબિશનની કલમો તળે પગલાં લેવાશે.
મોટા અધિકારી પણ મહેફિલ માણતા દેખાયા?
એક તરફ એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે, જ્યાં દારૂની મહેફિલ માણવામાં આવી હતી ત્યાં એક મોટા રાજકીય પદાધિકારી પણ દેખાઈ રહ્યા છે. ત્યારે તેની સામે પગલાં લેવાશે કે કેમ? તે પણ તેવો સવાલ ઉઠયો છે.