મુંદરા: અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ સમૂહલગ્ન `કન્યાવણજ યજ્ઞ' ભારે આનંદ અને ઉલ્લાસથી ઉજવાયા. કુલ ૧૪૪ યુગલના લગ્ન લુણંગધામમાં યોજાયા એ ઐતિહાસિક ઘટના લેખાવાઈ છે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ધર્મગુરુ નારાયણદેવએ પ્રસંગે જણાવ્યું હતું કે, મહેશ્વરી લગ્ન પરંપરા વિશિષ્ટ છે અને તેને જાળવી રાખી આ સુંદર કાર્ય થયું છે. મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા પ્રસંગે અતિથિ હતા. પૂર્વ રાજ્ય પ્રધાન તારાચંદભાઇ છેડાએ સમૂહલગ્નમાં રૂ. એક લાખ એકાવન હજારનું દાન આપ્યું હતું. દાંડિયારાસમાં ઉપસ્થિત સ્થાનિક ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ રૂ. એક લાખનું દાન જાહેર કર્યું હતું.
ગાંધીધામના ધારાસભ્ય માલતીબહેન મહેશ્વરી, સામાજિક અગ્રણી રામજીભાઇ ધેડા, બચુભાઇ આરેઠિયાએ સફળતા બદલ ધન્યવાદ આપ્યા હતા. વિપક્ષી નેતા વી. કે. હુંબલે કહ્યું હતું કે, આ ધામ ઉપરની આવી સુધારાવાદી પહેલને આગળ વધારવી જરૂરી છે. આ પ્રસંગે કન્યાવણજ યજ્ઞના ધર્મગુરુઓએ સામૂહિક ગણેશ સ્થાપના અને માંડવારોપણ સાથે બાદ લગ્નવિધિ કરાવી હતી. આ પ્રસંગે પચાસ હજારથી વધારે લોકો ઉપસ્થિત હતા. આ પ્રસંગના મુખ્ય યજમાન અને ભોજનના દાતા અજબાઇ સામતભાઇ સોધમ પરિવાર નાના કપાયાવાળાનો સહયોગ રહ્યો હતો. સંસ્થાના પ્રમુખ કિશોરભાઇ પિંગોલ તથા મહામંત્રી ડો. લાલજીભાઇ ફફલએ સમગ્ર સમૂહલગ્નનું સંકલન અને સ્વાગત કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનિચાએ `ફુલૈયા માર્ગ'નું મહત્ત્વ સમજાવ્યું હતું. જિ.પં.ના સદસ્ય હાજી સલીમ જતે આ સેવાને બિરદાવીને રૂ. એક લાખનું દાન આપ્યું હતું. માતા રાણબાઇ પચાણ બળિયા પરિવાર, લખમશીં ભીમજી ચાવડા પરિવાર, સ્વ. લીલબાઇ ખમુભાઇ પાતારિયા પરિવાર સહિત પંચોતેરથી વધુ દાતાઓ રૂ. એક લાખથી વધુથી શરૂ થઇને અગિયાર હજાર સુધી દામ આપ્યું હતું.
સ્વ. બાયાબહેન ગાંગજી પિંગોલ પરિવાર સહિત પંદરથી વધુ દાતાઓએ કન્યાદાન આપ્યું હતું અને ટ્રસ્ટ તરફથી કન્યાઓને કિટ, પલંગ, કબાટ, ડ્રેસિંગ ટેબલ, કિચન સેટ જેવી વસ્તુઓ કન્યાદાન તરીકે આપી હતી. દાતાઓને મોમેન્ટો, શાલ અને ફૂલથી સન્માન આપવામાં આવ્યું એ પ્રસંગે જે.પી. મહેશ્વરી હાઇસ્કૂલના એક વર્ગખંડ માટે રૂ. ૨,૫૧,૦૦૦ જેટલું દાન પણ જાહેર થયું અને બાબુભાઇ માલાભાઇ (જમાદાર) દનીચાએ પાંચ એકર જેટલી ભૂમિ સાર્વજનિક હેતુ માટે અર્પણ કરી હતી. જામનગર સમૂહલગ્ન સમિતિ, પશ્ચિમ કચ્છ સમૂહલગ્ન સમિતિએ પણ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો.