ભુજઃ નખત્રાણામાં રહેતા ભદ્રુ પરિવારના ૧૦ બાળકો અને ૩ મહિલા સહિત ૧૪ જણા બિબ્બર ગામે માતાજીના દર્શનાર્થે ગયા હતા. એલપીજીથી ચાલતી મારુતિ વાનમાં શક્યતઃ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠતાં કારમાં સવાર બાળકોએ ચીસાસીસ કરી હતી અને બહાર નીકળવા લાગ્યા હતા. જોકે આ ઘટનામાં ત્રણ બાળકીઓ બહાર નીકળી ન શકી અને જીવતી ભુંજાઈ ગઈ હતી.
વાનમાં ઓાથોરાઈઝડ સ્ટાન્ડર્ડ કંપનીની એલપીજી કીટ લાગેલી હતી. એફએસએલની પ્રાથમિક તપાસ બાદ વિગતો બહાર આવી હતી કે, આગ પ્રથમ આગળના ભાગે લાગી હતી અને બાદમાં પાછળના ભાગે ફેલાઈ ગઈ હતી. બાળકોની ચીસાચીસના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ડોલમાં પાણી ભરી આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રણ બાળકીઓને બચાવી શકાઈ નહીં.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સંભવત કારનો દરવાજો ના ખૂલી શકતા બાળકો બહાર નીકળી શક્યા ન હતા. આ દુર્ઘટનામાં ૧૧ લોકો દાઝી ગયા હતા. તમામને ભુજ જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.