ભુજઃ કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલા વિથોણ ગામમાં અનોખો જળોત્સવ ઉજવાય છે. છેલ્લા ૪૦૦ વર્ષથી આ ગામમાં વરસાદમાં તળાવ છલકાય ત્યારે સમગ્ર ગામ ભેગું થાય છે. આ દિવસે સરઘસ નીકળે છે. આ સરઘસમાં ગામના બધા જ લોકો વાજતે ગાજતે ગુલાલ ઉડાડે છે. તળાવ કિનારે વરસાદના નવા નીરને વધાવાય છે. એ પછી ગામના મોભી એવા સરપંચ ચાંદીનું નાળિયેર કે કમળ જોરથી ઊછાળીને તળાવમાં ફેંકે છે. આ નાળિયેર અને કમળ લેવા માટે યુવાન તરવૈયાઓ ડૂબકી મારે જેના હાથમાં આવે તે ઇનામ સમજી રાખી લે છે.
સવારે આખું ગામ ખેતાબાપાની સમાધિના સ્થળે એકત્ર થાય છે. બપોર પછી હોળીની જેમ ગામની દરેક શેરીમાંથી લોકો એકમેકને પાણીથી ભીંજવાની રમત રમે છે. ગામની મહિલાઓ માથે પાણીનું બેડું લઇ ગીતો ગાતી આવે છે.
આ મહિલાઓ વડીલોના માથે પાણી નાંખી ભીજવે છે. ગામમાં દાયકાઓથી ચાલી આવતી આ અનોખી પરંપરા અંગે ગામના સરપંચ રતિલાલ ખેતાણી કહે છે કે, પહેલા ગામના સંત ખેતાબાપાએ જીવતે સમાધિ લીધી ત્યારથી આ પ્રથા શરૂ થઇ છે. ખેતાબાપા ગાયની રક્ષા માટે ખડેપગે ચળવળ ચલાવનાર સંત તરીકે ખ્યાતિ પામેલા હતા. તેમણે અષાઢી બીજે સમાધિ લીધી ત્યારે તેઓએ કહ્યું હતું કે, ગામલોકોએ એમની વિદાયનો શોક મનાવવો નહિ પણ આનંદ ઉલ્લાસ ભક્તિભાવથી ઉજવણી કરવી. અષાઢી બીજે સંત બ્રહ્મલીન થયા ત્યારથી શોકને બદલે ઉત્સવના રૂપમાં જળોત્સવની અનોખી પ્રથા શરૂ થઇ છે.