ભુજઃ સુખપરના ખીમજી વેલજી મેઘાણી મસ્કતમાં બાંધકામ માટે મજૂરી કરવા ગયા હતા. તેમને ત્યાં હાર્ટ એટેક આવતાં કંપનીએ સારવાર માટે તેમને સ્થાનિક હોસ્પિટલે ખસેડ્યા હતા. ૧૩મી એપ્રિલે તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને સલાલા હોસ્પિટલમાં રખાયો હતો અને ત્યાંથી ૧૮મી એપ્રિલે ભારત રવાના કરાયો હતો. મૃતદેહ અમદાવાદ આવ્યો પછી પરિજનોએ તેનો કબજો લઈને સુખપરમાં અંતિમવિધિ કરી હતી. એ પછી અંતિમવિધિ કરી એ શબ ખીમજી સાથે જ મસ્કતમાં નોકરી કરતા રાજસ્થાનના બાબુલાલ કુબાવતનું હોવાનું બહાર આવતાં બંનેના પરિવારજનોને આઘાત લાગ્યો છે. આ પ્રકારનો કિસ્સો ભારતમાં કદાચ પ્રથમવાર બન્યો હશે. રાજસ્થાનના બડવાસીના બાબુલાલ કુબાવત અને ખીમજી મેઘાણી સલાલામાં એકસાથે કામ કરતા હતા. બંનેના મૃત્યુ પછી તેમના શબ સ્થાનિક હોસ્પિટલમાં રખાયા હતા. બાબુલાલની લાશ લેવા તેના ભાઈ સુરેન્દ્ર કુબાવત પહોંચ્યા ત્યારે તેણે લાશ જોઈને કહ્યું હતું કે આ મારા ભાઈ નથી. જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
આ મામલો બહાર આવતાં સુધીમાં ખીમજીના પરિજનોએ અંતિમવિધિ કરી લીધી હતી. આ મુદ્દે બાબુલાલ તથા ખીમજીના પરિવારે ભારતીય દૂતાવાસમાં પણ જાણ કરી છે. સામે મસ્કતમાંથી એવી ખાતરી પણ અપાઈ છે કે સલાલા હોસ્પિટલમાં ખીમજીનો મૃતદેહ હશે તો તે સુખપર મોકલી અપાશે.