ભુજઃ દુર્ગમ વિસ્તારો હાજીપીર, ભુણા, ભિટારા, ગોરેવલી, માધવનગર (હોડકો) વગેરે ગામોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ સર્જાતાં એનઆરઆઇ દાતાઓ દ્વારા ૧૫૦ જેટલા અસરગ્રસ્ત પરિવારોને તાજેતરમાં ખાદ્ય સામગ્રીની કીટ અને તલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ દુર્ગમ વિસ્તારના ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં પોતાની ઘરવખરી મૂકી સ્વરક્ષણ માટે આસપાસના ઊંચાણવાળા વિસ્તારમાં આસરો લીધો હતો. અસરગ્રસ્તોએ વિદ્યાભારતી લોકશિક્ષા સમિતિ પ્રમુખ શાંતિભાઈ ઠક્કરનો સંપર્ક કરતાં તેમણે સેવા સાધનાના ખજાનચી નારણભાઇ વેલાણીના માધ્યમથી પૂરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું.
આ માટે એનઆરઆઈ દાતા અ. નિ. સામજી કરશન ભંડેરી પરિવાર અને લાલજી કલ્યાણ શિયાણીનો આર્થિક સહયોગ મળ્યો હતો. કાનજી વેકરીયા, રમેશ ગોરસીયા, વિનુભાઇ ઠક્કર સહયોગી બન્યા હતા.