ગાંધીધામઃ અભિનેતા - નેતા વિનોદ ખન્નાનું ૨૭મી એપ્રિલે નિધન થયું છે. તેમનાં અવસાન બાદ બોલિવૂડની સાથે સમગ્ર દેશમાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, ત્યારે કચ્છીઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગાંધીધામમાં તો કેટલાક લોકો એવા પણ હતા જેઓ સાતેક મહિના સુધી વિનોદ ખન્ના સાથે રહ્યા હતા. વર્ષ ર૦૦૧નાં ભૂકંપ બાદ કચ્છમાં જ્યારે મોટાભાગના શહેરો અને ગામડાઓમાં વ્યાપક કહી શકાય તેવું જાન-માલનું નુકસાન થયું હતું ત્યારે આ નાયકે સાચા અર્થમાં દયાવાન બનીને અહીંનાં લોકોને માનસિક, આર્થિક અને સામાજિક મદદ કરી હતી.
ખન્ના સાથેની તેમની યાદોને તાજા કરતા ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીનાં ચેરમેન અને તે વખતે ગાંધીધામ ભાજપનાં મહામંત્રી એવા મધુકાન્તભાઈ શાહે જણાવ્યું હતું કે, ખન્ના તે વખતે પંજાબનાં ગુરદાસપુર ક્ષેત્રનાં સાંસદ હતા અને તેમની એક સંસ્થાને લઈને તેઓ ગાંધીધામ આવ્યા હતા. ગાંધીધામમાં તેમણે એંસી ટેન્ટવાળી એક તંબુ નગરી બનાવવાની ઈચ્છા વ્યકત કરી, ત્યારે ગાંધીધામ નગર પાલિકાએ તેમને રામલીલા મેદાનમાં જગ્યા આપી હતી. ત્યાં શહેરનાં સંપન્ન લોકો જે ભૂકંપમાં અસરગ્રસ્ત બન્યા હતા તેમને રીયલ લાઈફમાં પણ દયાવાન કહી શકાય તેવા વિનોદ ખન્નાએ આશરો આપ્યો હતો. તે વખતે લોકોને ભૌતિક સુખ-સુવિધા સાથે માનસિક સહારાની જરૂરિયાત હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે તેમનો રજનીશ આશ્રમનો અનુભવ કામે લગાડીને લોકોને ધ્યાનથી માનસિક રાહત પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.
દાળ-ઢોકળી પ્રિય બની હતી
લોકોની સેવા કરતા કરતા ગાંધીધામ પોતાના સાતેક મહિનાનાં સમયગાળા દરમિયાન ગુજરાતી વાનગી પણ ખાતા થઈ ગયા હતા અને તેને કારણે તેમને દાળ-ઢોકળીનો સ્વાદ એવો દાઢે વળગ્યો હતો કે, તેઓ જ્યારે પણ ભોજનની વાત આવતી ત્યારે દાળ-ઢોકળી અચૂક મંગાવતા હતા.