ગાંધીનગરઃ યુનેસ્કો દ્વારા કચ્છ-ભૂજના સ્મૃતિવનને વિશ્વના સાતમા સૌથી સુંદર મ્યુઝિયમની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક્સ ઉપર ટ્વિર કરીને આ માહિતી આપતાં ગુજરાત અને ભારત માટે આ ગૌરવની ક્ષણ હોવાનું જણાવ્યું હતું. સ્મૃતિવન એ વર્ષ 2001ના વિનાશક ભૂંકપમાં ભોગ બનેલા નાગરિકોની સ્મૃતિ અને કચ્છની ખુમારીને વંદન કરતા એક સ્મારક તરીકે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી તૈયાર થયું છે.
ભારતના કોઈ પણ મ્યુઝિયમને પહેલી વાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિના સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે તે ગુજરાતના માટે ગૌરવપ્રદ છે, તેમ મુખ્યપ્રધાને એક્સ પર જણાવ્યું હતું.
યુનેસ્કો તરફથી દર વર્ષે આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલી એવોર્ડ અપાય છે. આ સન્માન આ વર્ષે ભૂજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને મળ્યું છે. આવુ સન્માન મેળવનાર સ્મૃતિવનને વિશ્વના સૌથી સુંદર સાત મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદભૂત છે. જેમાં પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવર્સજન કરવાની ગાથા સર્જનાત્મક રીતે રજૂ થઇ છે.
કોને મળે છે પ્રિક્સ વર્સેઈલ્સ એવોર્ડ?
વર્ષ 2015થી યુનેસ્કોના હેડ ક્વાર્ટર ખાતે દર વર્ષે પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ્સ જાહેર કરવામાં આવે છે. પ્રિક્સ વર્સેઇલ્સ અંતર્ગત દુનિયાભરમાંથી આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના શ્રેષ્ઠ સ્થાપત્યોની પસંદગી કરાય છે. જેના ભાગરૂપે પ્રિક્સ વર્સેઇલ્સની વર્લ્ડ જ્યુરીના સભ્યો દ્વારા એરપોર્ટ્સ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન્સ, સ્પોર્ટ્સ, મ્યુઝિયમો, એમ્પોરિયમ, હોટલ અને રેસ્ટોરાં જેવી વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ સ્થાપત્યોની પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2024માં પ્રથમ વખત જ મ્યુઝિયમ કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે, અને ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક આ વખતે દુનિયાના શ્રેષ્ઠ મ્યુઝિયમની યાદીમાં સમાવેશ પામ્યું છે.
અનેક એવોર્ડ્સથી સન્માનિત સ્મૃતિવન
સ્મૃતિવનને આ પહેલી વખત આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે એવું નથી. આ પ્રોજેક્ટ અગાઉ પણ અનેક સન્માન મેળવી ચૂક્યો છે. જેમાં • A ડિઝાઇન એવોર્ડ - બેસ્ટ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન ડિઝાઇન પ્રોજેક્ટ • SBD ઇન્ટરનેશનલ ડિઝાઇન એવોર્ડ (પબ્લિક સ્પેસિસ) • રેડ ડોટ ડિઝાઇન એવોર્ડ 2023 (બ્રાન્ડ-કોમ્યુનિકેશન ડિઝાઇન) • ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ (પ્લેટિનમ એવોર્ડ-કલ્ચરલ આર્કિટેક્ચર) • CII ડિઝાઇન એક્સલન્સ એવોર્ડ (સ્પેશિયલ ડિઝાઇન) • લંડન ડિઝાઇન પ્લેટિનમ એવોર્ડ (ઇન્ટિરિયર ડિઝાઇન) • ગ્લોબલ આર્કિટેક્ચર એવોર્ડ (ગોલ્ડ એવોર્ડ-ગ્રીન આર્કિટેક્ચર) • ઇનવેટ APAC એવોર્ડ 2023 (ટુરિસ્ટ એટ્રેક્શન)
ગરબા, ધોરડો અને હવે સ્મૃતિવન
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતના ગરબાને પણ આંતરરાષ્ટ્રીય ગૌરવ પ્રાપ્ત થયું હતું. યુનેસ્કોએ ‘ગુજરાતના ગરબા’ને પોતાની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (ICH - અમૂર્ત સાંસ્કૃતિક વારસો) ઓફ હ્યુમેનિટીની યાદીમાં 15મા એલિમેન્ટ તરીકે સામેલ કર્યા હતા. આ સાથે જ, ગયા વર્ષે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO)એ ગુજરાતના ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નું સન્માન આપ્યું હતું.
વર્ષ 2024નાં વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમ
1) સ્મૃતિવન ભૂકંપ સ્મારક-ભૂજ (ભારત)
2) એ4 આર્ટ મ્યુઝિયમ-ચેંગડુ (ચીન)
3) ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ-ગિઝા (ઇજિપ્ત)
4) સિમોસ આર્ટ મ્યુઝિયમ-હિરોશિમા (જાપાન)
5) પલેઇસ હેટ લૂ-એપલડૂર્ન (નેધરલેન્ડ્સ)
6) ઓમાન એક્રોસ એજીસ મ્યુઝિયમ-માનાહ (ઓમાન)
7) પોલિશ હિસ્ટ્રી મ્યુઝિયમ-વોરસો (પોલેન્ડ)