ગાંધીનગરઃ કોવિડ-૧૯ સહિત અનેક પ્રકારના રોગોમાં ઉપયોગમાં લેવાતી પ્રતિરોધક વેક્સિનના સંગ્રહ, હેરાફેરીની કોલ્ડ ચેઈનના રેફ્રિજરેટર - સ્ટોરેજ ડિવાઈસિસના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના ૬૦ ટકા માર્કેટને કવર કરતી લેક્ઝમ્બર્ગની બી મેડિકલ સિસ્ટમ નામની કંપનીએ ગુજરાતના કચ્છમાં પોતાનો પ્લાન્ટ નાંખવા રસ દાખવ્યો હોવાના અહેવાલ છે. જાન્યુઆરી મહિનામાં ભારતમાં કોરોના સામેની વેક્સિન આવી રહી હોવાની સંભાવના છે ત્યારે દેશમાં તેના સંગ્રહ, પરિવહનનું માળખુ ઉભું કરવા મોટાપાયે સ્ટોરેજ ડિવાઈસિસની જરૂરિયાત ઉભી થશે. માત્ર ભારત જ નહીં, વિશ્વભરમાં આ પ્રકારના ડિવાઈસિસની ડિમાન્ડને પૂર્ણ કરવા લક્ઝમબર્ગની કંપની બી મેડિકલ સિસ્ટમ ઈતિહાસમાં પહેલી વખત પોતાના દેશની બહાર પ્લાન્ટ સ્થાપવા આગળ વધી રહી છે.
આ કંપની પ્લાન્ટ માટે ૧૦-૧૫ મિલિયન યુરોનું રોકાણ મુંદ્રામાં કરી શકે છે. લક્ઝમબર્ગની કંપનીના પ્રતિનિધિઓની ગુજરાત મુલાકાત સંદર્ભે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ કંપનીના CEO સહિતના અધિકારીઓના ડેલિગેશને કચ્છમાં સ્ટોરેજ ડિવાઈસિસના ઉત્પાદન માટે તૈયારી દર્શાવી છે.
આ કંપની વિશ્વમાં વેક્સિન સંગ્રહ માટેના સ્ટોરેજ ડિવાઈસિસના માર્કેટમાં ૬૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
ગુજરાતમાં કોવિડ-૧૯ સામે પ્રતિરોધક રસી ઉપરાંત પહેલાથી અનેકવિધ વેક્સિનનું પણ ઉત્પાદન થાય છે.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસે જણાવ્યું કે, નિકાસ માટે બી મેડિકલ સિસ્ટમ કંપનીના અધિકારીઓને ભૌગોલિક સ્તરે કચ્છ પસંદ પડયું છે.
લક્ઝમ્બર્ગની આ કંપની માઈનસ ૮૦ ડિગ્રીથી સામાન્ય અને તેથી અનેક ગણા વધારે તપામાનમાં ટકી શકે તેવા વેક્સિન સ્ટોરેજના ડિવાઈસિસ બનાવે છે.