મુંબઈઃ વિદેશથી નિર્દોષ છોકરીઓને લાવીને વેશ્યા વ્યવસાયમાં ધકેલવાના કાળા ધંધા સામે માથું ઉંચકનારા સામે કચ્છના ત્રિવેણી આચાર્યને નેપાળમાં વડા પ્રધાન પુષ્પકમલ પ્રચંડના હસ્તે ૧૨મીએ એવોર્ડ અપાયો છે.
આ સમારોહ નેપાળની ‘મૈતી’ સંસ્થાની રજતજયંતી નિમિત્તે કાઠમંડુમાં યોજાયો હતો. ‘મૈતી’ વેશ્યાવૃત્તિમાં ધકેલાતી છોકરીઓને છોડાવવાનું કામ છેલ્લા ૨૫ વર્ષથી કરે છે. મૂળ કચ્છમાં આવેલા વાગડનાં ત્રિવેણી આચાર્ય પણ ૨૫ વર્ષથી જ આ કાર્ય સાથે જોડાયેલાં છે અને તેઓ ‘મૈતી’ જોડાઈને કામ કરે છે. ત્રિવેણી આચાર્ય નેપાળનાં સમારોહમાં હાજરી આપીને પછી બાંગલાદેશની મુલાકાતે રહેશે.
ત્રિવેણીબહેન કહે છે કે, ભારત સરકારની ગ્રાન્ટથી હું ભારતમાં આ મુદ્દે કામ કરું છું જોકે સરકાર તરફથી જે રકમ મળે છે તે પૂરતી હોતી નથી. ભારતીય કેન્દ્ર સરકારે મને ત્રણ વખત એવોર્ડ આપ્યા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે પણ મને એવોર્ડ મળી ચૂક્યો છે. તેઓ કહે છે કે, અમે અત્યાર સુધી સાત હજારથી વધુ છોકરીઓને વેશ્યાવૃત્તિ તરફ ફસાતાં બચાવી છે.
તેમણે કહ્યું કે, વર્ષો પહેલાં મારા પતિ બાલકૃષ્ણ આચાર્યની દુકાનમાં એક બંગાળી છોકરો સેલ્સમેન તરીકે હતો. આ છોકરો એક છોકરીના પ્રેમમાં હતો. તે છોકરી નેપાળી હતી. તેને વેચી નાંખવામાં આવી. જેની વાત છોકરાએ બાલકૃષ્ણને કરી. તે વખતે હું પત્રકાર હતી. મેં પોલીસ કમિશનર ઓફિસમાં ફોન કરીને પોલીસ સાથે મળીને છટકું કરાવ્યું. પોલીસે રેડ પાડી અને કુલ ૧૪ નેપાળી છોકરીઓને બચાવવામાં આવી.
એ પછી હું નેપાળ ગઈ અને છોકરીઓનાં સરનામાં મેળવવા નેપાળની ‘મૈતી’ સંસ્થાનો સંપર્ક થયો. આ સંસ્થાએ સહયોગ આપ્યો. એ પછીથી ‘મૈતી’ સાથે મળીને અમે કચ્છ અને ભારતમાં કામ શરૂ કરી દીધું. પહેલાં સંસ્થાનું કાર્ય મારા પતિ બાલકૃષ્ણ સંભાળતા હતા. અમે ૧૯૯૬માં એક રેડમાં ૧૨૦ નેપાળી છોકરીઓ છોડાવી હતી. નેપાળમાં ગયા ત્યાંની સરકારે કહ્યું કે, આ છોકરીઓને એઈડ્ઝ થયો હશે અમે કઈ રીતે સ્વીકારીએ? પછી ‘મૈતી’એ જોકે માર્ગ કાઢ્યો હતો. અમે નેપાળની છોકરીઓને છોડાવતા હતા એટલે નેપાળની છોકરીઓને જબરદસ્તી ભારતમાં લાવવું ઓછું થયું છે. હાલમાં બાંગ્લાદેશી કિશોરીઓ અને યુવતીઓને વધુ સંખ્યામાં ભારત લાવવામાં આવે છે અને આ બાળાઓના બચાવ માટે કાર્ય કરી રહ્યા છીએ.