ભારતને આ વર્ષે G-20 સમિટનું યજમાનપદ પ્રાપ્ત થયું છે. આગામી 8થી 10 ફેબ્રુઆરી દરમિયાન ધોરડો સફેદ રણ ખાતે પ્રવાસન વિષય અંતર્ગત G-20ની સમિટ યોજાવા જઈ રહી છે, તે પૂર્વે વૈશ્વિક વિરાસત ધોળાવીરામાં લાઇટ ડેકોરેશન કરવામાં આવતાં આ સ્થળ ‘વૈશ્વિક સુંદરી’ની જેમ ઝળહળી ઊઠ્યું હતું. ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે આવેલી વૈશ્વિક વિરાસત હડપ્પીય સાઇટ ખાતે લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. જી-20નું અધ્યક્ષપદ ભારતને પ્રાપ્ત થયું તે અંતર્ગત દેશભરની 200 જેટલી વૈશ્વિક વિરાસતોને રોશનીથી શણગારવામાં આવી છે. આગામી ફેબ્રુઆરીમાં સફેદ રણ ખાતે સમિટ યોજાવાની છે, જેની સમીક્ષા માટે આવેલી કેન્દ્રીય સચિવોની ટીમોએ પણ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ધોળાવીરા ખાતે જવલ્લે જ જોવા મળતો આ રસ્તો લાઇટ ડેકોરેશનના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ માટે પણ સુખદ આશ્ચર્ય ઉત્પન્ન કરી રહ્યો છે.