ગાંધીધામ: શક્તિનગર વિસ્તારમાં એક રહેવાસીઓની હરોળ એવી છે જ્યાં એક બાળકના સામાન્ય પ્રથાની સામે જોડિયા બાળકોના જન્મનાં કિસ્સાઓ વધુ જોવા મળે છે. તાજેતરમાં પણ એક બાદ એક પાંચ ઘરમાં જોડિયા બાળકો જન્મ્યા હતા. નવાઈની વાત તો એ છે કે સંલગ્ન પરિવારોના અન્ય શહેરોમાં રહેતા ઘરોમાં પણ ટ્વિન્સ જન્મી રહ્યા છે. શક્તિનગરમાં રહેતા રાજુભાઈ કોટકે જણાવ્યું હતું કે, તેમની હરોળમાં આવેલા ઘર નં. ૧૦૧થી લઈ ૧૦૯ સુધીમાં એક બાદ એક પાંચ જોડકાં બાળકોનો જન્મ થયો હતો. તેમના ઘરે પ્રથમ હેતવી અને હર્ષવીનું આગમન થયું તો તેમની પડોશમાં રહેતા ભોજવાણી પરિવારમાં રેખા અને રાખીનો જન્મ થયો હતો. ત્યારબાદ તેમની જ બાજુમાં રહેલા ઘરમાં રાધિકા અને નૈનિકા લાલવાણીનો જન્મ થયો હતો. પછી શૈલેષભાઈ ઠક્કરના ઘરે યુતિ અને નિયતિ અને અન્ય તેજ લાઈનમાં રહેતા અન્ય એક પરિવારમાં પણ જોડિયા બાળકીઓનો જન્મ થતો હતો. તો સામેની લાઈનમાં તાજેતરમાં જોડિયા બાળકોનો જન્મ થતાં ચર્ચાનો વિષય બની હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે કુદરતે અહીં સહુના ઘરમાં જોડકી નિયાણીઓ આપી છે જેથી સમગ્ર વિસ્તારમાં જ્યારે કોઇ વ્રત, પ્રસંગ હોય તો આસપાસના લોકો અહીં આવીને બાળકોને ખુશ કરવાનો લહાવો લે છે.