ભુજઃ ઘ્રંગમાં શિવરાત્રિએ મેકરણદાદાની સમાધિના સ્થાને લોક મેળાનું આયોજન થાય છે અને આ મેળો બે દિવસ સુધી ચાલે છે. મેળામાં માનવ દોડ, ઘોડા દોડ, ઊંટ દોડ અને બળદ ગાડા દોડનું વિશેષ આકર્ષણ હોય છે. આ મેળામાં સૌથી વધારે આકર્ષણ મકરણદાદાના અખાડાનું હોય છે. શક્તિશાળી યુવાનો વચ્ચે કુસ્તી થાય છે જેમાં વિજેતાને ઇનામ પણ અપાય છે.
આ મેળામાં બળદગાડા દોડનું પણ મોટું આકર્ષણ હોય છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ઝડપી દોડતા બળદો અહીં એકઠા થાય છે. ઘ્રંગમાં યોજાતા મેળો મેકરણદાદાની યાદમાં યોજાય છે. ગામમાં મેકરણદાદા અને તેમના પાંચ શિષ્યોની સમાધિ છે. આ શિષ્યોમાં લાલીયા નામનો ગદર્ભ અને મોતીયા નામના કુતરાનો સમાવેશ થાય છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, મેકરણદાદા ગધેડા ઉપર પાણી ભરીને રણમાં જતા ને જે તરસી વ્યક્તિ મળે તેને પાણી પીવડાવતા. આહિર જ્ઞાતિના લોકો મેકરણદાદાની પૂજા-આર્ચના કરે છે. મેકરણદાદા કાપડી જ્ઞાતિના હતા.