ભુજ: કચ્છનું માંડવી દરિયાઈ જહાજ બનાવવા માટે જાણીતું છે. દસકાઓથી અનેક પરિવારો માત્ર વહાણ બનાવવાના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે, અને જહાજ નિર્માણના કામમાં તેઓ આગવી મહારત ધરાવે છે. આવા જ એક પરિવાર દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી અહીં બનેલી રહેલું દુબઈના શેખ પરિવારનું એક વહાણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વહાણને ફિનિશિંગ ટચ અપાઇ રહ્યો છે અને નજીકના દિવસોમાં જ તેની ડિલિવરી કરાશે એવા અહેવાલ છે. દુબઇના માલેતુજાર શેખને શોભે તેવું આ શાનદાર જહાજ કચ્છી વહાણવટા ઉદ્યોગની નામનામાં ચાર ચાંદ લગાવી દેશે તેમાં બેમત નથી.
કચ્છના માંડવીમાં આવેલો વહાણવટા ઉદ્યોગ વર્ષોજૂનો છે. એક સમયે અહીં ખૂબ મોટું વ્યાવસાયિક બંદર હતું અને ૮૪ દેશના વાવટા ફરકતા ત્યારે પણ આ ઉદ્યોગ કાયમ હતો અને આજે પણ વિકસિત છે. અહીંના મિસ્ત્રીઓ પાસે દેશના જ નહીં, પરંતુ વિદેશના ગ્રાહકો મનગમતા વહાણ બનાવવાનો ઓર્ડર આપે છે. જ્યાં હાલમાં માંડવીના રમણીય દરિયાકિનારા પર આવેલા સલાયા નજીકના રુકમાવતી નદીના પટ્ટમાં તૈયાર થઈ રહેલા ત્રણ માળનું વહાણ બનાવવાનો ઓર્ડર દુબઈના શેખ મોહમ્મદ રશીદ અલમકતુમના ભાઈએ આપ્યો છે.
અંદાજિત ૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ત્રણ માળના વહાણને બનાવવા પાછળ દૈનિક ૨૫ કારીગરની મહેનત સાથે ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. જહાજના નિર્માતા ઇબ્રાહિમ ઇસ્માઇલ મિસ્ત્રીએ આ જહાજની વિશેષતા જણાવતાં કહ્યું હતું કે નખશીખ તમામ બાંધકામ માનવસર્જિત છે. એનું કામ અતિચીવટ અને બારીકાઈથી કરવામાં આવ્યું છે. એ સમુદ્રના ખરાબ વાતાવરણનો સામનો પણ આસાનીથી કરી શકવા સક્ષમ છે. દરેક વહાણ નિર્માણમાં ઉપયોગમાં લેવાતાં લાકડાં મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે. આ લાકડાઓનું કટિંગ માંડવી ખાતે કરવામાં આવે છે અને તેનાથી બહારનો ઢાંચો તૈયાર કરવામાં આવે છે. જ્યારે અંદરના ભાગ માટેનું લાકડું ગુજરાતના ડાકોર અને ખેડા જિલ્લામાંથી મગાવવામાં આવે છે. તો દેશી બાવળના થડનો પણ એમાં ઉપયોગ કરાય છે.
ઇબ્રાહિમભાઇ કહે છે કે અમે દુબઈ માટે બનાવેલા ૧૮૦ મીટર લાંબા આ વહાણના ત્રીજા માળે સંપૂર્ણ એરકંડીશન્ડ કેબિન છે.
વહાણ નિર્માણની વ્યવસ્થા સંભાળતાં જાવેદભાઈ મિસ્ત્રી (લોહાર વઢા)એ વહાણની ઉપયોગીતા વિશે જણાવ્યું હતું કે દુબઈના શેખના ભાઈ માટે તૈયાર કરાયેલા આ વહાણ દ્વારા દુબઈ આસપાસના સમુદ્રી વિસ્તારમાં માછીમારી કરાશે. માછીમારી માટે વહાણમાં રખાયેલાં સાત જેટલાં નાનાં વહાણોને જહાજમાં લાગેલી ક્રેન દ્વારા દરિયામાં ઉતારાશે, અને તેના દ્વારા એકત્ર થયેલી માછલીઓને જાળવી રાખવા વહાણના ભંડકિયામાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા રખાઈ છે.
વહાણનું સંપૂર્ણ માળખું અહીં તૈયાર થયું છે જ્યારે શક્તિશાળી બોટ મશીન, લાઈટિંગ અને કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ દુબઈ ખાતે લગાડવામાં આવશે, અને બાદમાં એનું નામકરણ થશે. આ શિપનું કલરકામ પૂર્ણ થયે અન્ય શિપ વડે ટો કરીને દુબઈ પહોંચાડવામાં આવશે, અને તેના પર લખેલું હશેઃ Made in India (Mandvi)