દયાપર: કચ્છમાં વિકાસકાર્યોની જાહેરાત કરતાં ચોથીએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કચ્છનો પાણીપ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ જશે. લખપતની ઐતિહાસિક ભૂમિ પર વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, કચ્છના મુંદરા અને માંડવી દરિયાનાં પાણીને મીઠું પાણી બનાવવા બે મોટા ડિસેલિનેશન પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે. જેના માટે રૂ. ૭૦૦ કરોડની રકમ ફાળવી છે અને મકરસંક્રાંતિ પહેલાં આ કામના ટેન્ડર બહાર પડી જશે તેવી ખાતરી તેમણે આપી હતી.
રૂપાણીએ કહ્યું કે, શીખ ધર્મગુરુ `પંચપ્યોર' પૈકી ભાઈ મોખમસિંઘજીએ માથું આપ્યું છે ત્યાં દ્વારકા રૂ. પાંચ કરોડ અને અહીં ગુરુદ્વારામાં રૂ. પાંચ કરોડ એમ કુલ રૂ. ૧૦ કરોડ ફાળવવાની ગુરુ ગોવિંદસિંહજીની જન્મજયંતી ઉજવણી પ્રસંગે રાજ્ય સરકારે ગત વર્ષે જ અમદાવાદમાં રિવરફ્રન્ટમાં જાહેરાત કરી હતી જે હવે પૂર્ણ
કરી છે.
લખપતમાં હાથમાં પાવડા-તગારા લઈને કારસેવા કરવા સાથે રૂપાણીએ કહ્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહજી ઘણા યુદ્ધ લડયા. સંઘર્ષો કર્યા. જો એ ન હોત તો આજે શીખ ધર્મ અને સંસ્કૃતિ પણ ન બચી હોત. લખપતમાં ગુરુનાનકજી રોકાયા એ આ પવિત્ર જગ્યા છે. તેથી તેનો વિકાસ કરવા સાથે લખપતને વૈશ્વિક સ્થળ બનાવશું, જેમ શ્રદ્ધાળુઓ અમૃતસર જાય છે તેમ અહીં આવશે.
આ પ્રસંગે શીખ સમાજે જાહેરાત કરી હતી કે આ સ્થાનના વિકાસ માટે સમાજ રૂ. ૧૨ કરોડ વાપરશે. નર્મદાનું પાણી લખપત પહોંચ્યું છે તેની વધામણી પણ મુખ્ય પ્રધાને પ્રજાને આપી હતી.