• ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમ રાવલનું અવસાન: ઊંઝા ભાજપના પાયાના કાર્યકર અને ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલનું કોરોના સામે જંગ હારતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે નિધન થયું છે. ઊંઝા ભાજપના પાયાના કાર્યકર અને ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલના નિધનથી ઊંઝાને સારા રાજકારણી તેમજ સામાજિક-ધાર્મિક કાર્યકરની ખોટ પડી છે. ઊંઝાની જીએલ પટેલ હાઇસ્કુલમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેઓએ શેઠ વી. એસ. લો કોલેજ ઊંઝામાંથી કાયદાનું શિક્ષણ પણ મેળવ્યું હતું. ઊંઝાની ઉમા ક્રેડિટ સોસાયટીના આદ્ય સ્થાપક અને સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ઊંઝા નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી. ઊંઝાના રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવનાર શિવમભાઈ ઊંઝા શહેર ભાજપ પ્રમુખનો પણ હોદ્દો સંભાળી ચૂક્યા છે.
ઊંઝા પાસેના ઉનાવા ગામના તેઓ વતની હતા, પણ તેમણે ઊંઝાને કર્મભૂમિ બનાવી હતી. અગાઉ જિલ્લા રજિસ્ટારમાં તેમણે ફરજ બજાવી હતી. તેઓ નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી રાજકારણ સક્રિય બન્યાં હતા.
• હોસ્પિટલમાં આગ લાગી તો ઇન્ચાર્જે કહ્યું ધુમાડાએ દર્દીઓ માટે ‘હવન જેવું પવિત્ર’ કામ કર્યું!: જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ પાસેના એક સ્ટોર રૂમમાં તાજેતરમાં આગ લાગી હતી. કોવિડ યુનિટના ઇન્ચાર્જ આ અંગે વોર્ડના એડમિન હેડ વિષ્ણુ મોહને ‘આગના ધુમાડાએ કોરોનાના દર્દીઓ માટે હવનનું કામ કર્યું!’ એવા નિવેદન બાદ લોકોમાં રોષની આગ ફેલાઈ છે. અગાઉ આ હોસ્પિટલમાં ભોંયતળિયે વિદ્યુત પેનલમાં ખામી સર્જાઇ હતી અને ૧૭મી સપ્ટેમ્બરે અદ્યતન હોસ્પિટલમાં ફરી શોટસર્કિટ થઇ હતી. હોસ્પિટલના બીજા માળે જ્યાં કોરોના દર્દીઓ માટે કોવિડ સેન્ટર ઊભું કરાયું છે. તેની બાજુમાં આવેલા સ્ટોર રૂમમાં એક ટેબલમાં આગ લાગી હતી. જોકે, સદ્દભાગ્યે કોઇ જાનહાનિ કે નાસભાગ મચી નહોતી.
• ‘સુરખાબનગરી’ વર્લ્ડ હેરિટેજ સાઇટ બનવા તરફ: એશિયાની પ્રખ્યાત ‘સુરખાબનગરી’ અંડાબેટ હવે વર્લ્ડ હેરિટેજ સાઈટ બનવા જઈ રહી છે. તાજેતરમાં રાજ્ય વન વિભાગે આ મુદ્દે ગતિવિધિ આગળ વધારતાં આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટ માટે પ્રસ્તાવિત કરાશે. આઠ વર્ષ બાદ ત્રણ લાખ સુરખાબે અંડાબેટમાં ધામા નાખ્યાં હોવાનું બહાર આવ્યું છે.