• ઉત્તર ભારતીય સમાજ દ્વારા રેલ રોકો આંદોલનઃ કચ્છમાં વસતા ઉત્તર ભારતીયોએ ૧૪મીએ કચ્છ જનરલ મજદૂર સંઘના સહયોગથી પોતાની વરસો જૂની ટ્રેનની માગને લઇને ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ ટ્રેન આડે ઊભા રહીને રેલ રોકો આંદોલન કર્યું હતું. જોકે પોલીસની સમજાવટ પછી આગેવાનોમાં અંદરોઅંદર જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કેટલાક યુવા નતાઓએ રેલવે અધિકારીઓ સાથે વાટાઘાટ માટેની જીદ પકડી હતી. તેથી એક તબક્કે પોલીસે લાઠીઓ ઉગામીને કહ્યું હતું કે સમાજ અને રેલવેના અધિકારીઓ તમારી માગ વિશે તુરંત જ ચર્ચા કરશે. એ પછી ટ્રેક ઉપરથી દેખાવકારો હટયા હતા. ઉલ્લેખનીય છે કે ૧૩મીથી શરૂ થનારી વેકેશન સ્પેશિયલ ટ્રેન ગાંધીધામ-ભાગલપુર છેલ્લી ઘડીએ નહીં દોડાવતાં આ હંગામો થયો હતો. સ્થાનિક રેલવે પ્રશાસને કેન્દ્રીય રેલવે સાથે ચર્ચા પછી ૨૦મી એપ્રિલથી આ ટ્રેન શરૂ કરવા ખાતરી આપી હતી.
• ભાજપી ધારાસભ્યના ભત્રીજા પાસે મહિલાએ ખંડણી માગીઃ કચ્છના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પાસેથી એક મહિલાએ રૂ. ૧૦ કરોડની ખંડણી માગતા આ મામલાની પોલીસમાં જાણ કરાઈ છે અને પોલીસે મહિલાની તપાસ આદરી છે. જયંતી ભાનુશાળીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના અમદાવાદમાં રહેતા ભત્રીજા અને વેપારી સુનિલ ભાનુશાળીને અમદાવાદના કચ્છી ભુવનમાં બેભાન કરીને એક મહિલા દ્વારા અશ્લિલ વીડિયો ક્લિપ ઉતારી લેવાઈ હતી. ત્યારબાદ આ વીડિયો ક્લિપ ફરતી કરી દેવાની ધમકી આપીને મહિલાએ સુનિલ ભાનુશાળી પાસેથી રૂ. ૧૦ કરોડ માગ્યા હતા. આ ઉપરાંત મહિલાએ એવી ધમકી પણ આપી હતી કે સુનિલે અન્ય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે તેની પણ ફરિયાદ નોંધાવવામાં આવશે.
• વાગડ પંથકમાં ૩.૩ની તીવ્રતાનું કંપનઃ વર્ષ ૨૦૦૧ના ભૂકંપ બાદ સંવેદનશીલ સ્થિતિમાં રહેલા વાગડ પંથકમાં ભૂસ્તરીય સળવળાટ જાણે રોકાવાનું નામ ન લેતો હોય તેમ રોજેરોજ સુક્ષ્મથી લઈને હળવી તીવ્રતાના ભૂ કંપન અહીં થતા રહે છે. રવિવારે રાત્રે વાગડ પંથકમાં ૩.૩ની તીવ્રતા ધરાવતા આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. કેટલાક સ્થળે લોકો પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતાં. રાજ્યના ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટે જણાવ્યા અનુસાર આ ભૂકંપનનું કેન્દ્ર રાપર પાસે નોંધાયું છે.