ભુજઃ માંડવીના દરિયાકિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીના સર્વનાશ માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ સાધુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માંડવીના કાશી વિશ્વનાથ બીચ પર મંત્રોચ્ચાર અને વાજિંત્રોના નાદ સાથે ત્રણેક દિવસથી સાધના કરી રહેલા મૂળ જાપાનના હાકુઈ ઇસિકાવાના જુનસૈઈ તેરાસવાએ માત્ર ૧૭ વર્ષની ઉંમરે ગુરુ નીચીદાતાસુ ફુજી પાસે બૌદ્ધ ભીખ્ખુ (ભિક્ષુક) તરીકે દીક્ષા લીધી હતી. મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના સિદ્ધાંતોથી પ્રેરાઈને બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા ગ્રહણ કર્યા બાદ હાકુઈ ઇસિકાવાના જુનસૈઈ તેરાસવા વિશ્વના અનેક દેશોમાં ભ્રમણ કરીને શાંતિ સ્થાપના માટે સાધના કરી રહ્યા છે. વિશ્વસ્તરે નામના ધરાવતા આ બૌદ્ધ સાધુનો પ્રભાવ એટલો છે કે ક્રૂરતા અને આપખુદ શાસન વ્યવસ્થા માટે કુખ્યાત નોર્થ કોરિયાનો સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન પણ તેમની સમક્ષ મસ્તક ઝૂકાવે છે. આ અલભ્ય તસવીર પણ આ સાથે રજૂ કરી છે.