સામખિયાળીઃ ટોલગેટ નજીક એક ખેતરના માલિક મૂળજી બારા (આહિર)એ પોતાના ખેતરમાં પાકને પાણી દેવા માટે ૨૧મી મેએ કૂવો ખોદાવવાની શરૂઆત કરી હતી. ખેતરમાં જેસીબી દ્વારા ખાડો ખોદતી વખતે માત્ર અગિયાર ફૂટે જ મીઠું પાણી મળી આવતાં ગામમાં સાનંદાશ્ચર્ય ફેલાયું હતું.
આ વિશે ખેતર માલિક મૂરજીભાઈ આહિર કહે છે કે, મારા ખેતરમાં કૂવો ખોદવામાં આવ્યા પછી આસપાસના આશરે ચારેક ખેતરોમાં પણ કૂવો ખોદાયો હતો, પણ તેમાંથી મીઠું પાણી મેળવી શકાયું નહોતું અને બીજા ખેતરમાં કૂવાની ઊંડાઈ પણ વધારવી પડી હતી. સદ્નસીબે મારા ખેતરમાંથી પાણી મળી આવતાં અમારે બોર બનાવવાનો ખર્ચ બચી ગયો છે.
આ ગામના વડીલોના કહેવા મુજબ, વર્ષો પહેલાં અહીંથી આધોઇ નદીના વહેણ પસાર થતા હતા. વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછી આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવ્યા હોવાથી આ વિસ્તારમાંથી જ પાણી મળી આવ્યું હોય એવું બનવી શકે.