નરાયણ સરોવર: ભારતમાં રાફેલ વિમાન આવતાં જ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ભારત સાથેના સરહદી વિસ્તારમાં પાકિસ્તાન પોતાની હવાઇ તાકાત વધારવા મથામણ કરી રહ્યું છે. કચ્છ સરહદ નજીક એર સ્ટેશન બાદ હવે મોટી સંખ્યામાં હેલિપેડ બનાવવા જઇ રહ્યું છે. અહેવાલો પ્રમાણે, હાલમાં સીમા પર પાકિસ્તાન રેન્જર્સ અને મરીન સિક્યુરિટી એજન્સીના થાણાઓમાં કેટલાક હેલિપેડ છે, પરંતુ આવનારા સમયમાં આ બન્ને અર્ધલશ્કરી દળના તમામ કેમ્પોને હવાઇ સેવાથી જોડવા હેલિપેડ નિર્માણની યોજનાને પાકિસ્તાન આગળ વધારશે.
ભારત સરહદ સાથે જોડાયેલાં બે દેશ પાકિસ્તાન અને નેપાળ હાલમાં આર્થિક સદ્ધર ચીનને રાજી રાખવા ભારત સામે ચાલ ચાલે છે. નેપાળે ચીનના સહયોગથી ભારત સીમાએ હેલિપેડ બનાવ્યા છે તો પાકિસ્તાન પણ સિરક્રીક નજીક રેન્જર્સની આવન-જાવન, માલ સામાનની હેરફેર માટે હેલિપેડ બનાવી ભારત પણ દબાણ વધારવા મથી રહ્યું હોવાના અહેવાલ છે.