નખત્રાણા: કચ્છમાં જેટલી વસ્તી છે તેનાથી વધારે કચ્છ બહાર દેશ-પરદેશમાં કચ્છીઓ રહે છે. જેથી કચ્છમાં વતનના ગામમાં બાપ-દાદાના વખતના મકાનો કે ખેતીની જમીન આવેલી હોય તેની સારસંભાળના મોટા પ્રશ્નો હવે ઉદભવી રહ્યા છે. જોકે કચ્છના પાટીદાર સમાજે તેનો રસ્તો શોધી કાઢ્યો છે. પાટીદાર ગામોમાં જ્યાં સ્થાનિકે વસ્તી સાવ ઘટી ગઇ છે ત્યાં પરદેશ રહેતા પાટીદારોએ વતનના ગામને જાગતું કરવા બીડું ઝડપ્યું છે.
દિલ્હીમાં રહેતા કવિ પટેલ અને તેમના ભાઇ રવિલાલ વિશ્રામ પોકાર તેમના વતનના ગામ નખત્રાણા તાલુકાના કાદિયા (મોટા)માં તાજતેરમાં રહેવા આવ્યા છે. એક મહિના સુધી તેઓ અહીં રહેશે. રણની કાંધી પર આવેલા સરહદી ગામ સિયોતમાં પૂના, અમદાવાદ, તારાપુરથી આવેલા ભાઇઓ માદરે વતનમાં હમણાં રહેવાના છે. કચ્છમાં હમણાં કોઇ પ્રસંગ કે લગ્નગાળો નથી, પણ આ બધા પોતાના વતનના ગામમાં એક મહિના સુધી રખોપા માટે રહેવાના છે. વતન પરસ્ત કચ્છીઓ કચ્છના સૂનકાર થઇ રહેલા ગામડાંઓને સંજીવની બક્ષવાના ભગીરથ પ્રયાસ આ રીતે કરી રહ્યા છે. કાદિયા (મોટા)માં પાટીદારોની કુલ વસ્તી ૩૪૦૦ છે, પણ તેમાંથી સ્થાનિકે માત્ર ૬૦ સભ્યો જ રહે છે! સમાજે વિચાર્યું આવી જ હિજરત ચાલુ રહી તો ગામોમાં આપણું નામોનિશાન નહીં રહે. જન્માષ્ટમીએ કે વૈશાખમાં તો આ બધા આવે, પણ બાકીના મહિનાઓમાં શું? આખરે એવું નક્કી થયું કે પરદેશના ભાઇઓ ચાર-ચાર દંપતી (આઠ લોકો) વારા ફરતી એક મહિના માટે વતનમાં રોકાય અને ગામની દેખભાળ કરે!
કવિ પટેલ કહે છે કે છેલ્લા આઠ વર્ષથી કાદિયા (મોટા)માં આ પ્રથાનો અમે અમલ કરીએ છીએ. બહારથી આવનાર માટે સ્થાનિકે સમાજવાડીમાં ‘અપના ઘર’ ચાલુ થાય છે જેમાં ભોજન અને રહેવાની પણ ઉત્તમ સુવિધા ઉભી કરાય છે. સાતમ-આઠમના પર્વએ યોજાતી વાર્ષિક મિટિંગમાં દર મહિને કોણ કોણ રોકાશે તેના વારા નક્કી થાય છે. આ યોજના સ્વૈચ્છિક હોવા છતાં ‘વારા’ માટે લોકો ઉમળકાભેર નામ નોંધાવે છે.
લખપત તાલુકાના ધારેશી ગામે પાટીદારોની કુલ ૧૦૫૦ વસ્તીમાંથી સ્થાનિકે માત્ર ૯ સભ્યો જ રહે છે. અહીં ૨૦૧૪થી આ પ્રોજેક્ટ ચાલુ છે. ધોળા દિવસે ગામની શેરીઓમાં કૂતરું પણ સામે ન મળે તેવા ‘ઉજ્જડ’ ધારેશીમાં પણ ચાર-ચારની જોડીમાં આઠ સભ્યો મહિના માટે આવે છે અને પોતાના રોકાણ દરમિયાન ગ્રામ પંચાયત સાથે રહી ગામના વિકાસના પ્રશ્નોમાં પણ રસ લે છે.
ખેતીવાડી પડી ભાંગવાને કારણે એક સમયે સૂનકાર ભાસતા કચ્છના આ નાનકડા ગામ સિયોતની શિકલ જ પરદેશ રહેતા પાટીદારોએ બદલાવી નાંખી છે. છ-સાત વર્ષ અગાઉ અદ્યતન ટાઉનશીપ નિર્માણ કરવા સાથે અહીં પરદેશી પાટીદારોની આવન-જાવન વધી છે