નલિયા: વાયુદળની ૮૭મી વર્ષગાંઠ નિમિત્તે ૧૫મી નવેમ્બરે નલિયામાં યોજાયેલા એર શોને નિહાળવા નાગરિકો તથા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વાયુદળના એરોબેટિક પ્રદર્શનદળ દ્વારા થતા ‘સૂર્યકિરણ’ એર શોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં. એરોબેટિક ટીમ દ્વારા ‘સૂર્યકિરણ’થી આકાશમાં વાઈન ગ્લાસ અને હીરાના આકાર જેવા અવકાશી પ્રયોગો નિહાળીને ઉપસ્થિતો મંત્રમુગ્ધ થયા હતા. આ પ્રકારનો એર શો ૧૨ વર્ષ પછી નલિયા એરફોર્સમાં યોજાયો હતો. એર શોના પ્રારંભે નલિયા વાયુદળના વડા એયર કોમોડોર ઈ. જે. એન્થોનીએ સૌને આવકારી ‘સૂર્યકિરણ’ વિમાનની જાણકારી આપી હતી. આ એર ક્રાફ્ટના ઉપયોગથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી તેમજ તેમાં ઈંધણ પણ ઓછું વપરાય છે, તેવી સમજ તેમણે આપી હતી.