અમદાવાદ: અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં મામલે પકડાયેલા મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉના રિમાન્ડમાં રોજ નવી વિગતો બહાર આવે છે. જો કે, સીડી પ્રકરણ અંગે મનીષા ગોસ્વામી મૌન હોવાથી ૧૪મી નવેમ્બરે અહેવાલ આવ્યા હતા કે મનીષાના મોબાઈલની ડિટેઈલ સીટે મંગાવી હતી. તેની સાથે સંપર્ક ધરાવનારાઓને એક પછી એક બોલાવીને સીડી બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ આખો કેસ હત્યાનો હોવા છતાં સેકસ સીડી અંગે અને કોની પાસે કેટલા નાણા ખખેરવામાં આવ્યા તે બાબતે પૂછપરછ ચાલી રહી છે. આ હત્યા કેસમાં ખૂટતી કડીઓ માટે સીટ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને જંયતી ડુમરાની જેલમાં પૂછપરછ કરવા આગામી દિવસોમાં પરવાનગી માગશે. સીટની જુદી જુદી ત્રણ ટીમો વાપી, અમદાવાદ અને કચ્છમાં તપાસ ચલાવી રહી છે.
સરકારી બાબુઓ અને રાજકારણીઓની સંડોવણી
અગાઉના અહેવાલો પ્રમાણે જયંતી ભાનુશાળીએ વાપીની મનીષા ગોસ્વામીની મદદથી અનેક સનદ અધિકારીઓ અને રાજકારણીઓની સીડી બનાવી હતી. પોતાનો ઉપયોગ કરીને જયંતી ભાનુશાળી કરોડો રૂપિયા કમાયા હતા. તેથી પોતે પણ આ સીડીની આવકમાંથી રૂપિયા મેળવે એવા હેતુથી મનીષાએ જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલની સીડી બનાવી મોટી રકમ માગી હતી.