રાજકોટ: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના ૨૦૦ ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટુરની એક પણ ટિકિટ બુક નહીં કરાવવાનો નિર્ણય કરીને બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં, પોતાની ટુરના પેકેજ-બેનરમાં કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ દૂર કરી નાંખ્યો છે. આ ઉપરાંત કોઈ ઓફરમાં કાશ્મીરની ટિકિટ ફ્રી હોય તો તેને પણ નહીં સ્વીકારવાનો નિર્ણય ટ્રાવેલ્સ, રેલવેના એજન્ટોએ નિર્ણય કર્યો છે.
કાશ્મીરના ટુર એજન્ટોને જેવી જાણ થઈ કે, સૌરાષ્ટ્રના ટુર એજન્ટ દ્વારા આ પ્રકારે નિર્ણય લેવાયો છે તેણે તરત જ સ્થાનિક એજન્ટોનો ફોન કરીને સંપર્ક સાધીને આજીજી કરી કે, ‘આ પગલું ન ભરો, અમારા પર વિશ્વાસ રાખો, અમે ખાતરી આપીએ છીએ કે, સૌરાષ્ટ્રના સ્થાનિકોને પૂરતું રક્ષણ મળશે’, પરંતુ સ્થાનિક એજન્ટોએ વાત કરવાની પણ ઘસીને ના પાડી દીધી. કહ્યું કે અમારે તમારી સાથે બિઝનેસ તો ઠીક વાત પણ નથી કરવી. નોંધનીય છે કે, એકલા માત્ર સૌરાષ્ટ્રથી જ કાશ્મીરને દર વર્ષે રૂ. ૩૦૦ કરોડનો બિઝનેસ મળે છે.
સૌરાષ્ટ્રીયન્સ ઉનાળુ વેકેશન અને દરેક તહેવારની ઉજવણી મોટેભાગે કેરલા, કાશ્મીર, કુલુ મનાલી, સિમલા સહિત ફરવાલાયક સ્થળે જઈને કરે છે. જેમાંથી કાશ્મીરના વિરોધ સાથે તાત્કાલિક એક બેઠક બોલાવી જેમાં તમામ ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે હવે પાંચ વર્ષ સુધી એક પણ એજન્ટોએ કાશ્મીરની ટુર પેકજ બૂક કરવું નહીં. આ નિર્ણયને આવકારીને સૌરાષ્ટ્રના ૧૭૦ ટ્રાવેલ્સ એજન્ટ અને રેલવે એજન્ટના ૭૦ સભ્યોએ પોતાનો પૂરેપૂરો ટેકો જાહેર કર્યો.
દેશના સૈનિકોથી વિશેષ અમારા માટે કશું નથી
સૌરાષ્ટ્ર ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સેક્રેટરી અભિનવ પટેલ કહે છે કે, આ દેશના એક એક જવાનોની જિંદગી અમૂલ્ય છે તેના થકી જ દેશ ઉજળો છે. ભલે અમે ખોટ ખાઈશું પણ આપણા દેશના સૈનિકોની પડખે ઊભા રહ્યાનો અને તેની મદદ કર્યાનો આનંદ વિશેષ મળશે. અભિનવ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી કાશ્મીરની એકપણ ટુર નહીં કરીએ. આ પ્રકારનો નિર્ણય એ પણ એક પ્રકારની દેશભકિત જ કહી શકાય.