ભુજઃ ભુજ સ્વામીનારાયણ મંદિર હસ્તકના નારણપર મંદિરના ર૬ વર્ષના શિક્ષિત સાધુ ચંદ્રપ્રકાશસ્વામીના મોબાઈલ ફોનમાંથી યુવતીના અશ્લિલ ફોટા અને ત્રણેક યુવતી સાથેના તેના સંબંધો તથા સંબંધોની કબૂલાતની ઓડિયો કિલપ વાયરલ થતાં ભુજ સ્વામીનારાયણ મંદિરે વિવાદી સાધુના ભગવા વસ્ત્રો, જનોઈ-શિખા ઉતારીને સંસારી કપડાં પહેરાવીને તેને સ્વગૃહે મોકલી દીધો હતો. જોકે સામે ચંદ્રપ્રકાશસ્વામીએ અન્ય સંતો સામે ચોંકાવનારા આક્ષેપો કર્યાં છે.
અન્ય સંતો પર આક્ષેપ
એક તરફ ચર્ચા છે કે આ વિવાદ શાંત પડે તેવા હેતુથી કેટલાક દિવસો સુધી ચંદ્રપ્રકાશદાસને ભુગર્ભમાં ઉતારી દેવાયા હતા, પણ મંદિર સમક્ષ નક્કર પુરાવાઓ આવતાં તેમને ભુજ તાલુકાના ગોડપર ગામના તેમના ઘરે પાછા મોકલાયા છે તો ઘરે પરત ફરેલા રસિક કેરાઈ એટલે કે ચંદ્રપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યું છે કે અન્ય સંતોએ તેમને ફસાવ્યા છે. તેમણે અન્ય સંતો પર આક્ષેપ મૂક્યો છે કે, ઓડિયો કિલપ અને ફોટો વાયરલ થયા બાદ તેને યુવતીના પરિવારજનો મારવા માટે શોધતા હતા. તેવું કહીને નારણપરના મંદિરમાં એક રૂમમાં ગોંધી રાખ્યો હતો. મંદિરમાં ગોંધી રખાયા બાદ સુરતમાં ઘનશ્યામ પટેલ નામના એક પૂર્વ સાધુ અને સંસારી માણસના ઘરે મોકલી અપાયો હતો.
સાધુનો બચાવ
રસિક કેરાઈએ જણાવ્યું કે, હું ષડયંત્રનો ભોગ બન્યા છું. જે યુવતી સાથેના મારા સંબંધોનો મુદ્દો ઉછાડાયો છે તે યુવતી સહિત અન્ય કેટલીક યુવતીઓ, સાંખ્યયોગી બહેનો સાથે બીજાં ૧૨ જેટલા સાધુઓ સંબંધ રાખે છે. રસિકે જણાવ્યું કે, મને ફસાવવાના ભાગરૂપે ખુદ મારા ગુરુ એ મારો મોબાઈલ ફોન ચોરીને ભારાસરના ભદ્રેશ હિરાણી, નારણપરના સૂરજ કેરાઈ અને ભાવનગરના હર્ષલને આપી દીધો હતો.
એ પછી મારા મોબાઈલમાંથી યુવતીનો સંપર્ક કરીને તેની પાસે અશ્લિલ ફોટા મંગાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયા છે. રસિકે કહ્યું કે, આ ત્રણેય યુવકો મારું લેપટોપ અને એક હાર્ડડિસ્ક પણ ઝૂંટવીને લઈ ગયા હતા. ઉપરાંત પોલીસના નામે ધમકી પણ આપતા હોવાનો આરોપ રસિકે કર્યો હતો.
આક્ષેપ પાયાવિહોણા છે: ભુજ સ્વામીનારાયણ મંદિર
છ વર્ષ અગાઉ દીક્ષાગ્રહણ કરીને સ્વામી બનેલા ચંદ્રપ્રકાશજીને મંદિરના સંતોની આગવી પરંપરા અને નીતિ-નિયમો વિરુદ્ધ આચરણ કરતાં તેમને છૂટા કરવામાં આવ્યા છે. જેથી તેઓ ઉશ્કેરાટમાં સંતો ઉપર અપહરણ કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે, જે બેબુનિયાદ છે. ઉશ્કેરાટમાં કોઈ અયોગ્ય કાર્ય ન થાય તે માટે એમને સાચવવામાં આવ્યા. તેમાં કોઈ દબાણ કે કોઈના કહેવાથી નિર્ણય નથી લેવાયો એમના પરિવારને વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરેલ છે.