હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરાના નવેસરથી વિકાસની કવાયત

Friday 01st January 2021 04:46 EST
 
 

ગાંધીનગરઃ પ્રાચીન કાળની હડપ્પન સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરતા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિકસિત કરવાની કવાયત ફરી એક વખત શરૂ કરાઈ રહ્યાના અહેવાલ છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગે હડપ્પન નગરી ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટેનું ડોઝિયર મોકલાવી દીધું છે. આ સાથે જ રાજ્ય સરકારે આ સાઇટનો વિકાસ કરવા સમિતિઓની રચના કરીને કાર્ય આગળ વધારવા માટે પ્રયત્નો શરૂ કર્યાં છે.

પ્રવાસીઓ માટે આકર્ષણ

રાજ્ય સરકારે ધોળાવીરા સાઇટના બફર ઝોનમાં ટુરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઊભું કરવાનું નક્કી કર્યું છે. જેમાં પાણી, વીજળી અને સેનિટેશનની સુવિધા ઊભી કરાશે. ધોળાવીરા પહોંચવા માટે રોડ કનેક્ટિવિટી ઊભી કરવા ખદિરથી ખાવડા, ખદિરથી ભચાઉ અને સાંતલપુર-ખદિર-ખાવડા એમ ત્રણ નવા રસ્તાઓ બનાવાશે જ્યારે હાલના રાપર-ધોળાવીરા, ભચાઉ-રાપર અને રાપર-અદેસર એમ ત્રણ રસ્તાઓનું સમારકામ હાથ ધરવા માટેની તૈયારીઓ થઈ રહી છે. રાજ્ય સરકારે ધોળાવીરાના વિકાસ માટે સાઇટ મેનેજમેન્ટ પ્લાન ઘડવા, નીતિ વિષયક નિર્ણયો લેવા અને તેનો અમલ કરવા બે સમિતિઓ અગાઉ બનાવી છે. આ સમિતિમાં મુખ્ય સચિવ અનિલ મુકિમના વડપણ હેઠળ રાજ્યકક્ષાની ૧૬ સભ્યોની ઉચ્ચકક્ષાની સમિતિ તેમજ સાઇટ ખાતે વિવિધ કામગીરી હાથ ધરવા કચ્છના જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૬ સભ્યોની સમિતિ બનાવાઈ છે.

યુનેસ્કોનું ડેલિગેશન ગુજરાત આવશે

રાજ્યના ટુરિઝમ વિભાગના જણાવ્યા પ્રમાણે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ નોમિનેશન માટે મોકલેલા ડોઝિયરના સંદર્ભે યુનેસ્કોનું ઉચ્ચકક્ષાનું ડેલિગેશન ટૂંક સમયમાં જ ગુજરાત આવશે. આ ડેલિગેશન ધોળાવીરાની સાઇટ વિઝિટ કરી રાજ્યના મુખ્ય સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજશે.

વિકાસ પાછળના ખર્ચ અંગે મૌન

ધોળાવીરાને નવેસરથી ડેવલપ કરવા પાછળ કેટલો ખર્ચ થશે તે અંગે હાલ વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું છે. રાજ્યમાં યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ૨૦૧૭માં ઘોષિત કરેલું છે અને એ અગાઉ ચાંપાનેરને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે જે અહીં નોંધવું રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter