મુંબઇ: સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ ગયા વર્ષના નવેમ્બર મહિનામાં થાણેમાં કરેલી સત્સંગ સભા દરમિયાન એક હરિભકતે હનુમાનજી વિશે પૂછેલા સવાલનો સ્વામીજીએ જે જવાબ આપ્યો હતો તે મામલે હવે વિવાદનો વંટોળ ઊભો થયો છે. વાત એટલી આગળ વધી ગઇ છે કે સત્સંગ સભા દરમિયાન થયેલી આ પ્રશ્નોતરીની કિલપ ખૂબ વાઇરલ થઇ છે અને એના આધારે હનુમાનજીના ભકતોએ સ્વામીજીની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. જોકે પોલીસ એવું કહી રહી છે કે સ્વામીજીને બોલાવીને તેમનું સ્ટેટમેન્ટ નોંધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
એક અહેવાલ અનુસાર, ભુજ સ્વામીનારાયણ મંદિરના સ્વામી અક્ષરમુનિદાસને ૧પ નવેમ્બરના રોજ યોજાયેલી સત્સંગ સભામાં એક હરિભકતે પૂછયું હતું કે હનુમાનજી મહારાજને સંત કહેવાય કે ભગવાન કહેવાય? આ પ્રશ્નના ઉતરમાં સ્વામીજી (ક્લીપમાં) એવું કહેતા સાંભળવા મળે છે કેઃ જો હનુમાનજી છેને તેને સંત આપણે ચોકકસ કહી શકીએ, કેમ કે તે મહાન બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા છે. એટલે સંત છે, બરોબર? અને આમેય ભગવાનના ભકત છે. હનુમાનજી છે એ કોઇ ભગવાન નથી, પણ ભગવાનને ભજી-ભજીને અને ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેને પોતાના સમાન પૂજનીય બનાવ્યા... નારદજી છે, શુકજી છે... આ બધાય હનુમાનજી મહારાજની જેમ જ પૂજનીય છે, પૂજાય છે પણ એ કોઇ ભગવાન નથી. એ બધા ભગવાનના ઉત્તમ પ્રકારના ભકત છે એટલે એ સંત છે. એમને સંત કહી શકીએ. બ્રહ્મચારી કહી શકીએ, ભગવાનના ઉત્તમ શ્રેષ્ઠ ભકત કહી શકીએ, પણ હનુમાનજી મહારાજ છે એને ભગવાન ન કહી શકાય.’
તેમના આ જવાબને લઇને હનુમાનભકતો જોરદાર નારાજ થઇ ગયા છે. મુંબઇના મીરા રોડ પર આવેલા શ્રી ઇચ્છાપૂર્તિ હનુમાનજી દાદા મંદિરના મહારાજ અને ભાગવતવકતા અશોકદાદા પંડયાએ જણાવ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર એક સ્વામી હનુમાનજી ભગવાન નહીં, પણ સંત હોવાનો દાવો કરતું નિવેદન આપી રહ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ કહ્યું હતું કે હનુમાનજી ભગવાન નથી, એ સંત છે. તેમને ભગવાન ન કહેવાય એવું નિવેદન આપીને હનુમાનજીનું ઘોર અપમાન કરીને અમારી ધાર્મિક લાગણીને દુભાવી છે, હિન્દુ સનાતન ધર્મની જનતાની લાગણીને દુભાવી છે તો અમે તેમના આ મંતવ્યનો સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમારા વિરોધને લઇને અમે નયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતાં. કોઇને પણ અધિકાર નથી કે તે કોઇ ભગવાન વિશે ટિપ્પણી કરી જાય. અમે આજ સુધી કોઇ ધર્મ હોય કે સમાજના ઇષ્ટ દેવતા, બધાને પૂજનીય માનીએ છીએ અને એક શબ્દ પણ બોલતા નથી. હનુમાનજી સાધુ સમાજના ઇષ્ટ દેવતા પણ છે. હનુમાનજી ચિરંજીવ છે એટલે કે તેઓ હાજરાહાજુર છે. તેઓ મહાદેવનો અગીયારમો રૂદ્ર અંશ છે. સ્વામીનારાયણ સંપ્રદાયના આ કહેવાતા સ્વામી દ્વારા સનાતન હિન્દુ ધર્મના અતિ પ્રિય ભગવાન એવા હનુમાન દાદાનું અપમાન કરવમાં આવ્યું છે.’
આમ જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતુંઃ હું તેમના આ શબ્દોને સખત શબ્દોમાં વખોડીને તે સ્વામીને સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી તાત્કાલિક ધોરણે બહાર કાઢી નાખવાની માંગણી કરું છું. જો સંપ્રદાય દ્વારા એ સ્વામી સામે પગલા નહીં લેવાય તો હજારોની સંખ્યામાં સેવકગણ સાથે હું અનશન પર બેસીશ અને આ દરમિયાન જો અમને કોઇને કંઇ પણ થશે તો એની જવાબદારી માત્રને માત્ર આ કહેવાતા સ્વામીની રહેશે.