રાયધણપર (તા. ભૂજ)ઃ આધુનિક સમયમાં માનવજીવન પર વિજ્ઞાન અને ટેક્નોલોજી અસર વધી રહી છે. પરંતુ જ્યાં શ્રદ્ધા અને પરંપરાની વાત હોય તો માનવી કયારેય વિજ્ઞાનને સ્વીકારતો નથી. આવું જ કંઈક કચ્છના હબાયમાં છે. હબાય ગામ ખાતે ભીમ અગિયારસના દિવસે વાઘેશ્વરી મંદિરના કુંડના પાણીની સફાઈ કરવાની પરંપરા આજે પણ વર્ષોથી યથાવત છે. આ પરંપરા મુજબ ૨૯ મેએ ભીમ અગિયારસ નિમિત્તે હબાય ખાતે આ પવિત્ર કુંડની સફાઈ કરવા દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા હતા. આ દિવસે ગામના યુવાનો-વડીલો વહેલી સવારથી મંદિરના કુંડની સફાઈ શરૂ કરે છે. પંપથી કુંડનું પાણી ત્રણ કલાક સુધી ખાલી કરે છે. પાણી ખાલી થાય એટલે કુંડના તળિયામાંથી માટી-કાંકરા વગેરે પણ સાફ કરવામાં આવે છે. કુંડના તળિયેથી નીકળેલી સફેદ માટી અનેક લોકો ચામડીના રોગ સામે પ્રતિકારકની શ્રદ્ધા સાથે લઈ જાય છે. કુંડની સફાઈ થયા બાદ આ મંદિરના પૂજારી કુંડના ૧૫૦ ફૂટ ઊંડે તળિયે ઊતરીને ત્રિશૂળ આકારના માતાજીના ચરણોમાં ઘીનો દીવો પ્રગટાવી પૂજા કરે છે.... બસ ત્યારબાદ થોડી મિનિટોમાં કુંડમાં ફરીથી કુદરતી પાણીથી ભરાવાની શરૂઆત થાય છે. ૨૪ કલાકમાં આ કુંડ પાણીથી છલોછલ ભરાઈ જાય ! આ વર્ષોની પરંપરા છે, કંઈક દુકાળ આવી ગયા કુંડ છલકાય જ છે. ભીમ અગિયારસના પવિત્ર કુંડની સફાઈ પ્રસંગે ૬૪ ગામના ભક્તો દૂર-દૂરથી આ પવિત્ર પરંપરામાં ભાગ લેવા અને માતાજીના દર્શન કરવા આવે છે.