કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાં ૧૪મીએ બે પાકિસ્તાની બોટો મળી આવી હતી, આ દિવસે રાત્રે જ વધુ ત્રણ વિદેશી બોટો પણ ઝડપાઈ હતી. સીમા સુરક્ષા દળના જવાનોની પેટ્રોલીંગ દરમિયાન એક દિવસમાં પાંચ જેટલી પાકિસ્તાની બોટો મળી આવતાં આ વિસ્તારમાં સુરક્ષા વધુ સઘન કરાઈ છે. જોકે બોટોમાંથી કોઈ વિવાદિત ચીજવસ્તુઓ મળવા પામી નથી. આ અગાઉ ખાવડા સીમાએથી પાકિસ્તાની ઝડપાયો હતો. ખાવડા નજીક વિઘાકોટ પાસેથી ભારત-પાકની આંતરરાષ્ટ્રીય ફેન્સિંગ બોર્ડર પાસે ૧૦મી જુલાઈએ બીએસએફના જવાનો ચોકી પહેરો કરી રહ્યા હતા ત્યારે નવ વાગ્યા આસપાસ પાકિસ્તાની સીમાએ આવી રહેલો માણસ નજર પડતાં તેને પકડી લીધો હતો. ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોરની સીમાસુરક્ષા દળે પ્રાથમિક પૂછપરછ કરતાં તેનું નામ અલ્લાહબક્ષ (૩૦) હોવાનું કહ્યું હતું. બાદમાં આ ઘૂસણખોરને નૂરા પોલીસને સોંપી દેવાયો છે.
• લાયન્સ હોસ્પિટલમાં કિડની ડાયાલિસીસ સેન્ટરનું વિસ્તૃતિકરણઃ લાયન્સ હોસ્પિટલ સંચાલિત કચ્છના પ્રથમ કિડની ડાયાલિસીસ યુનિટના વિસ્તૃતિકરણનું લોકાર્પણ ૧૫મીએ કરાયું હતું. હવે આ સેન્ટરમાં કિડનીના રોગના નિદાન માટે વધુ ૬ યંત્રો કાર્યરત થતાં કુલ ૨૧ મશીનનો દર્દીઓને લાભ મળશે.
• પાક વીમો ફરજિયાત બનાવાતાં વિરોધઃ ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં વડા પ્રધાન વીમા યોજના ફરજિયાત બનાવવાના નિર્ણયનો ખેડૂતોએ અન્યાયી હોવાનું જણાવી વિવિધ તાલુકા મથકે વિરોધ કર્યો હતો. આ અર્થે નીકળેલી રેલીઓ પછી ભારતીય કિસાન સંઘને આવેદનપત્ર આપવામાં આવ્યાં હતાં.
• જિલ્લા પંચાયત દ્વારા દસ તાલુકામાં વિકાસકામોઃ ૧૪મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ જિલ્લા પંચાયત દ્વારા કચ્છના દસ તાલુકાના જુદા જદા ગામોના વિકાસકામો માટે રૂ. ૨૯.૨૮ કરોડની રકમ તાજેતરમાં ફાળવવામાં આવી છે.
• શિકરાની મહિલા સાથે ૫૦ લાખની છેતરપિંડીઃ હાલમાં મુંબઇ રહેતાં ભચાઉ તાલુકાનાં શિકરાનાં મહિલા સાથે મહારાષ્ટ્રના દંપતીએ રૂ. ૫૦ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. શિકરામાં કલ્પતરૂ ફાર્મ ધરાવતા અને મુંબઇમાં રહેતા હિનાબહેન શૈલેશ છેડાએ મહારાષ્ટ્રના દંપતી સતીશ તાન્યાબા સામલે અને મનીષા સામલે સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. કલ્પતરૂ ફાર્મમાં મેનેજર તરીકે નોકરી કરતા સતીશ સામલેએ તેની પત્નીની મદદથી દાડમના પાકના રૂ. ૫૦ લાખ ચાઉં કરી ફરિયાદી મહિલા સાથે છેતરપિંડી આચરી હતી.
• કચ્છમાં સવા કરોડ પીપળા વવાશેઃ કચ્છમાં ઇશ્વર આશ્રમ વાંઢાયના અગ્રણી દિલીપ ભાનુશાળીએ ૧૯મીએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમાના અવસરે એટલે કે આજે આશ્રમ ખાતે પહેલા તબક્કામાં ૧૦૮ પીપળાના રોપાનું વાવેતર ધારાસભ્ય નીમાબહેન આચાર્યના હસ્તે થયા બાદ આખા કચ્છમાં આગામી દસ વર્ષમાં લગભગ સવા કરોડ પીપળાના વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરાશે.