ભુજ: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં સીમાએ એલર્ટને પગલે સીમા સુરક્ષા દળ કચ્છ સરહદે સજાગ રહે છે. જન્માષ્ટમીના દિવસે ૨૫મી એ પેટ્રોલિંગમાં ભારતીય સીમા સુરક્ષાદળે હરામી નાળા ક્રીક વિસ્તારમાં ઘૂસેલી બે માછીમારી પાકિસ્તાની બોટને નધણિયાતી હાલતમાં ઝડપી લીધી. ક્રીકમાં આ બંને બોટમાં સવાર પાક. માછીમારો માછીમારી કરી રહ્યા હોવાનું જણાતા ભારતીય સુરક્ષાદળ સાબદું થયું અને પાકિસ્તાનીઓ નાસી છૂટયા હતા. સીમાદળે સિંગલ એન્જિન ધરાવતી આ બંને બોટમાંથી માછીમારીની જાળ અને આઇસબોક્સ સહિતનો સામાન કબજે લેવાયો છે. સાથોસાથ નાસી ગયેલા પાકિસ્તાની માછીમારોને શોધી કાઢવા સમગ્ર વિસ્તારમાં મોટાપાયે કોમ્બિંગની કાર્યવાહી પણ હાથ ધરી હતી. જોકે ઘૂસણખોરો ફરી પાકિસ્તાન તરફ સરકી જવામાં સફળ રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાના ચાર મહિના બાદ સપ્ટેમ્બરથી માછીમારીની મોસમ ફરી શરૂ થાય છે ત્યારે પાકિસ્તાની માછીમારો ભારતીય દરિયામાં ઘૂસી જવાના કિસ્સા બને છે જોકે માછીમારીની આડમાં આતંકીઓ ઘૂસી આવવાની શંકામાં પેટ્રોલિંગ જરૂરી બને છે.