ભૂજઃ ભૂકંપગ્રસ્ત નેપાળવાસીઓની સમગ્ર વિશ્વમાંથી મદદ મળી રહી છે. અગાઉ ભૂકંપનો સૌથી વધુ ભોગ બની ચૂકેલા કચ્છીઓ પણ સહાય કરવામાં પાછળ નથી. હરિદ્વારસ્થિત કચ્છી આશ્રમ તરફથી રૂ. ૧૧ લાખની સહાય આપવાની જાહેરાત કરાયા બાદ ત્યાંના લોકોને ભોજન માટે દરરોજ ૧૦ હજાર થેપલા બનાવીને મોકલવાની શરૂઆત કરાઈ છે. કચ્છી આશ્રમના મહંત હરિદાસજી મહારાજ અને સંસ્થાના ટ્રસ્ટી પઠાઈભાઈ ભાનુશાલીના જણાવ્યા પ્રમાણે ૧૧ લાખની આર્થિક તો વડાપ્રધાન રાહતફંડ માટે આપવામાં આવી છે પરંતુ આ ભૂકંપગ્રસ્ત માટે અત્યારે અન્ન પ્રાથમિક જરૂરિયાત છે.
ભૂકંપ રાહત ફંડમાં પત્રકારોનો ફાળોઃ નેપાળના વિનાશક ભૂકંપના રાહત ફંડમાં કચ્છમાં કાર્યરત અખબાર, સામાયિક અને ટીવી મીડિયાના પત્રકારોએ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. પત્રકારોના જૂથે ગત સપ્તાહે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલને મળીને રૂ. ૫૧ હજારની રકમનો ચેક અર્પણ કર્યો હતો.