કચ્છ બહાર સ્થાયી થયેલા કચ્છીઓ તેમના સેવાકાર્યો માટે વિશ્વભરમાં જાણીતા છે.મૂળ અબડાસાના બિટ્ટા ગામના વતની અને મુંબઇમાં સ્થાયી થયેલા દાતા દેવજીભાઇ દેયાત નંદા દ્વારા હરિદ્વારસ્થિત કચ્છી લાલરામેશ્વર આશ્રમ (કચ્છી આશ્રમ)માં એક કરોડ જેટલી માતબર રકમનું દાન તાજેતરમાં અપાયું છે અને આશ્રમના અન્ય વિકાસના કામો માટે વધુ રૂ. પાંચ કરોડનું દાન આપવાની જાહેરાત કરાઇ હતી. હરિદ્વારમાં કચ્છી આશ્રમ તરીકે ઓળખાતા સંત ઓધવરામજી મહારાજ સ્થાપિત લાલરામેશ્વર આશ્રમ ખાતે ૩૬૫ દિવસ નવચંડી રુદ્રીના પાઠ અને ભાગવત પારાયણના પાઠ કરવામાં આવે છે.
કચ્છમાંથી રૂ. ૪.૭૫ કરોડનું કાળુ નાણુ પકડાયુંઃ આદિપુર અને માધાપરની ચાર કન્સ્ટ્રકશન પેઢીઓમાં આયકર વિભાગે ગત સપ્તાહે કાળુ નાણુ શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં બે પેઢીઓ દ્વારા રૂ. ૪.૭૫ કરોડનું ડિસ્કલોઝર જાહેર થયું હતું. સૂત્રોના જણાવ્યા વિભાગે ભીમજી વેલજી સોરઠિયા એન્ડ કંપની, સરસ્વતી કન્સ્ટ્રકશન, રવજી મનજી સોરઠિયા અને માધાપરની કે. કે. સોરઠિયા સહિત ચાર પેઢીમાં કાર્યવાહી કરી હતી.
અંધજનોને સહાય માટે રૂ. બે લાખનું દાનઃ વિશ્વભરમાં અંધજનોને મદદ કરવાના આશયથી ૧૪ સપ્ટેમ્બરે વર્લ્ડ બ્લાઇન્ડ ફ્લેગ-ડેની ઉજવણી થાય છે. વિશ્વભરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે. કચ્છમાં નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ સંસ્થા દ્વારા અંધજનોના કલ્યાણ માટે અનેક કાર્યો થઈ રહ્યા છે. આ સંસ્થાઆની પ્રવૃત્તિઓ જોઈને મૂળ મિરજાપરના વિનોદ કાનજી હીરાણીની પ્રેરણાથી અત્યારે અમેરિકામાં રહેતા સ્વ. ભવાનજી અરજણ ભુડિયા (મૂળ નારાણપર)ના પરિવારે આ સંસ્થાને મધુબેન રાજેન્દ્ર ભૂડિયાના હસ્તે રૂ. બે લાખના માતબર દાનનો ચેક સંસ્થાના પ્રમુખ ભાનુબેન વાલજીભાઈ પટેલ તથા ઉપપ્રમુખ અભય શાહને અર્પણ કર્યો હતો.