હસ્તકલા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ઊભું કરનારા કચ્છના ભુજોડી ગામના યુવા વણકર અશોક ડાહ્યાભાઈ મંગેરિયાની હાથવણાટના ઉત્કૃષ્ટ નમૂનાની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી થઈ છે. કચ્છમાં હેન્ડીક્રાફ્ટ હબ તરીકે જાણીત બનેલા ભુજોડીના અશોક મંગેરિયાએ ઓર્ગેનિક કોટન અને મલબારી સિલ્કને વનસ્પતિ રંગોથી રંગીને પરંપરાગત મોરીફને આકર્ષક દેખાવ આપતો નમૂનો ત્રણ મહિનામાં તૈયાર કર્યો હતો. તેમના આ બો કની (મફલર) દેશના અગ્રણી કલાપારખુના મન મોહી લેતાં એવોર્ડ માટે પસંદગી થઈ હતી. તેમને બો કની (મફલર) રબારી સંસ્કૃતિને પરંપરાગત પહેરવેશને રોયલ ટચ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પારંપારિક વણકર પરિવારના અશોકભાઈના પિતાજી વણકર ડાહ્યાભાઈ આલાને હાથવણાટને જીવંત રાખવા, તેના વિકાસ, ઉત્પાદનોમાં વિવિધતા, ટેકનિક અને સાધનોમાં સંવર્ધન વગેરે માટે યોગદાન બદલ ભારત સરકાર દ્વારા ૨૦૧૦માં પ્રતિષ્ઠિત સંત કબીર (શિલ્પગુરુ) એવોર્ડ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા અપાયો હતો. આ ઉપરાંત ૧૯૯૪માં ધાબડા, શાલ માટે તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. શંકરદયાલ શર્મા દ્વારા તેમને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો. તેમના પિતરાઈ ભાઈ રમેશ વીરજી વણકરને પણ ૨૦૧૧નો મેરિટ એવોર્ડ મળ્યો છે.