ભુજઃ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબહેન વ્યાસ અને સંચાલિકા ઇલાબહેન અંજારિયાએ જણાવ્યા મુજબ સાત વર્ષની વૈદેહી હાઇપર થાઇરોડથી પીડાય છે. વૈદેહીની માતા સામાજિક ગુનાખોરીનો ભોગ બની હતી અને મહિલાશ્રમની જ આશ્રિત હતી. બાળકીના જન્મના ચાર દિવસમાં જ માતાનું મૃત્યુ થયું હતું. કેન્દ્રની દીકરીઓએ જ વૈદેહીને ઉછેરી છે. માતાની જેમ હાઇપર થાઇરોડથી પીડિત વૈદેહીની માહિતી કેન્દ્રિય સરકારી સંવૈધાનિક સંસ્થા સીએઆરએ (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)- કારાના ઓનલાઇન ડેટાબેઝમાં સ્પેશિયલ ચાઇલ્ડ કેટેગરીમાં હતી. એ માહિતી પોરબંદરના અને હાલમાં બ્રિટનના ગ્લોશેસ્ટરશાયરમાં રહેતા ડો. ભીમ ઓડેદરા અને તેમનાં નર્સ પત્ની કેટીએ જોઈ છતાંય આ બ્રિટિશ દંપતીએ બાળકીને દત્તક લેવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું છે. દંપતી બીજી ઓક્ટોબર ૨૦૧૭ના રોજ બાળકીને મળવા આવ્યું હતું. એ પછી બાળકીની દત્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાજેતરમાં વૈદેહીને એક સમારોહમાં દંપતીને સોંપાઇ હતી.