ભુજઃ કરાના તોફાને કચ્છમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે. સાથે સાથે ભચાઉ તાલુકાના બનિયારી ગામના સીમાડે આશરો લેતા કુંજ કુળના વિદેશી હિજરતી પક્ષી કરકરાના ટોળા પર કરા વરસવાથી વિપરીત અસર થઈ છે. ભચાઉ પંથકમાં ૨૦૦થી વધુ કુંજ પક્ષીઓનાં મોત થયાના અહેવાલ વચ્ચે વન વિભાગની ટીમે બનિયારી વિસ્તારમાંથી ૫૬ જેટલા કુંજ પક્ષીઓનાં મૃતદેહો કબજે કર્યાં હતાં. કરાના વરસાદથી ૧૭ ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર હેઠળ મુકાયા હતા. બીજી તરફ ખડીરથી લખપત સુધીના રણ પ્રદેશના બેટ જેવા વિસ્તારોમાં આવી રીતે જ વિદેશી મહેમાન તરીકે આવેલા સેંકડો પક્ષીઓનાં મોત નીપજ્યા હોવાની ભીતિ પક્ષીપ્રેમીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
બનિયારીમાં કુંજ પક્ષીઓ પર કરાની વિપરીત અસરની જાણ થતાં પૂર્વ કચ્છ વન વિભાગની ટીમ તબીબ સાથે ઘટનાસ્થળે ધસી ગઈ એ પહેલાં ગામલોકો ઘાયલ પક્ષીઓને પોતાના ઘરમાં લઈ ઝઈને સારવાર કરી અથવા કરાવવાની શરૂ કરી હતી. ઘેર ઘેર પક્ષીઓને લઈ જવાયા હતા.