ભુજઃ એક સમયે દેશના મહત્ત્વનાં સ્થળોએ મોરચંગ વગાડતાં વગૈડતાં કચ્છી-સિંધી કાફી ગાનારા વિશ્વના એકમાત્ર કલાકાર બન્નીના જરારવારીમાં રહેતા સામત સાજન પઠાણને વૃદ્ધત્વનું ગ્રહણ એવું તો લાગ્યું છે કે હેવ ગાઈ પણ શકતાં નથી અને મોરચંગ પણ વગાડી શકતા નથી. તેમણે આર્થિક સહાય માટે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં અરજી કરી છે તો વારંવાર માંડવી સુધી દોડવું પડે છે.
૭૦ વર્ષના અશક્ત સામતને ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી તરફ પણ ભારે નારાજગી છે. નિરાશ પઠાણ કહે છે કે જ્યારે હાથ ચાલતા ત્યારે સૌ મને માનથી કાર્યક્રમોમાં બોલાવતાં હવે હું ને મારો પરિવાર ભૂખે મરે છે કોઈ જવાબ તો આપો.
સામત પર કુદરત પણ રિસાઈ હોય તેમ બે વિધવા દીકરીઓને પણ તેના સાસરિયા સામત પાસે મૂકી ગયા હોવાથી વૃદ્ધ પત્ની અને પુત્રીઓની જવાબદારીએ આ કલાકારને બેવડો વાળી દીધો છે.
જોકે આ કલાકારની વાત મીડિયામાં ફરતી થતાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ યોગેશ ગઢવી દ્વારા તુરંત જ જાહેર કરવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં જ જરૂરિયાતમંદ કલાકારોને આર્થિક સહાય ચૂકવવાની કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે.