માંડવી: મહેશ્વરી સમાજમાં લગ્નના ચાર ફેરા હોળીની સાક્ષીએ ફરાય છે, ભલે લગ્નની વિધિ (હસ્ત-મેળાપ) નિયત કરાયેલી તારીખ અને તિથિએ થઈ ગઈ હોય કે થવાની હોય. તેથી જ હોળી આવે ત્યારે મહેશ્વરી સમાજમાં કેટલાય આંગણે લગ્નના ઢોલ ઢબૂકે છે. આ પ્રથા પ્રમાણે હોળીના દિવસે કન્યા પક્ષવાળા ‘હાયડો’ લઈને વરપક્ષના ઘરે જાય છે. તો સામે કન્યા પક્ષના ભાઈ, ભાભી, માતા-પિતા અને કુટુંબીજનો સહિતના મીઠાઈઓ, સાડી, ભેટ - સોગાદોથી દીકરીનાં સાસરિયાનું સ્વાગત કરે છે.
સાંજ પડતાં ઘરની આજુબાજુના વિસ્તારમાં જયાં હોળી પ્રગટી હોય ત્યાં પરિવારજનોની સાક્ષીમાં કન્યાના ગળામાં વર હાયડો પહેરાવીને ધાર્મિકવિધિ મુજબ ચાર ફેરા ફરે છે. આ હાયડા (હાર)માં ખજૂર, ચોકલેટ, કાજુ-દ્રાક્ષ, પિસ્તા, અંજીર વગેરે પરોવાયેલા હોય છે.
આ વિધિપૂર્ણ થઈ ગયા બાદ વરના ઘરે કન્યાપક્ષના પરિવારજનો એક દિવસ રોકાણ કરે છે અને બીજા દિવસે કન્યાને લઈને માવતરના ઘરે જાય છે આગલા દિવસે માવતરના ઘરેથી કન્યાને અપાયેલી મીઠાઈમાંથી અમુક મીઠાઈઓ પાછી લઈ જવાય છે જે આજુબાજુના પરિવારમાં પ્રસાદ રૂપે વહેંચાય છે જેને હાયડાની વિધિ પૂર્ણ થઈ કહેવાય છે.