દરેક વ્યકિતને કંઈકને કંઈ શોખ હોય છે ,જો તેને વિકસાવવામાં આવે તો વ્યકિતને તે જિંદગીમાં નવા મુકામે પહોંચાડી શકે છે.આવું જ કંઈક ભુજના દેવયાની સોની સાથે બનવા જઈ રહયું છે. નાનપણથી સિક્કા સંગ્રહનો શોખ ધરાવતા તેણી પાસે આજે ૨૨,૨૨૨ સિક્કાનું કલેકશન છે. જેના પગલે તેઓએ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માટે દાવેદારી નોંધાવી છે. આ પ્રક્રિયા ભાગરૂપે રવિવારે ભુજના હિલગાર્ડન ખાતે ઓપન પ્રદર્શન યોજાયું હતું.
૧૯૮૮ના વર્ષમાં બહાર પાડવામાં આવેલા તમામ સિક્કાનો સંગ્રહ છે, જો ગિનિસ બુકમાં માન્યતા મળી તો ભુજના દેવયાનીબહેન કચ્છના પ્રથમ મહિલા બનશે
૨૯ વર્ષના દેવયાનીબહેન એક જ વર્ષમાં બહાર પાડવામાં આવેલા સૌથી વધુ સિક્કા પોતાની પાસે હોય એવો રેકર્ડ કરવા ઈચ્છે છે. તેણીએ જણાવ્યું હતું કે, ૧૯૮૮ના વર્ષમાં જ બહાર પાડવામાં આવેલા ૧૦ પૈસાના સિક્કાનો તેમની પાસે ખજાનો છે. અને આ અનુસંધાને તેઓએ દાવેદારી નોંધાવી છે. આ કેટેગરીમાં હાલના રેકોર્ડ હોલ્ડર કરતાં બમણા સિકકા તેઓ ધરાવતા હોવાથી આજના ઓપન પ્રદર્શન બાદ જો તેમને ગિનિસ બુકમાં માન્યતા મળી તો તેઓ કચ્છના પ્રથમ મહિલા બની જશે જેમના નામે આવો કોઈ વર્લ્ડ રેકોર્ડ હોય.
શું ગિનિસ બુકના નિયમ?
એક જ વર્ષમાં બહાર પાડયા હોય એવા સિક્કા એકઠા કરવાનો હાલનો રેકોર્ડ ભારતીયના નામે જ છે. તેના પાસે ૧૯૮૯ના વર્ષના ૨૫ પૈસાના સિક્કા છે. તેની સંખ્યા ૧૧,૧૧૧ની હતી. જયારે દેવયાનીબહેન પાસે ૨૨,૨૨૨ છે. હવે જો આ રેકોર્ડ ભુજની મહિલાના નામે થઈ જાય તો તેને તોડવા માટે નવા રેકર્ડ ઈચ્છુકે તેનાથી વધુ સિકકા એકત્ર કરવા પડે. તેમજ હાલના સંગ્રાહક પાસે જે વર્ષના સિક્કા હોય તેનાથી અગાઉના વર્ષના સિક્કા હોવા જોઈએ.
દેવયાનીના પતિ પણ ધરાવે છે ૮ વર્લ્ડ રેકર્ડ
દેવયાનીબહેન સોનીના પતિ મિલન સોની પણ અગાઉ ૮ વર્લ્ડ રેકર્ડ પોતાના નામે કરી ચૂકયા છે. જેમાં ૧૦ હજાર મીણબત્તી બુઝાવવાનો તથા એક જ શ્વાસમાં ૧૬૫ મીણબત્તી બુઝાવવા સહિતના રેકર્ડ તેઓ પોતાના નામે કરી ચૂકયા છે.