ગાંધીધામ: કચ્છમાં સોમવારે સાંજે ૭:૦૧ વાગ્યે ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એ સહિત કચ્છમાં ભૂકંપના કુલ ૩ આંચકા નોંધાયા હતા. કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉનાઈમાં પણ સોમવારે બપોરે ૨.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગુજરાતના સિસ્મોલોજી વિભાગે જણાવ્યું હતું કે, કચ્છના ભચાઉથી ૨૩ કિલોમીટર દૂર ૧૫.૩ કિલોમીટર અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આંચકાનો અનુભવ પૂર્વ સાથે ભુજ સહિત મધ્ય કચ્છમાં થયો હતો. ભચાઉ નજીક એપીસેન્ટર હોવાના કારણે તેની સર્વાધિક અસર ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં વર્તાઇ હતી. ચોબારીમાં ભૂકંપના આંચકા સાથે જમીનમાંથી અવાજ સંભળાયો હતો. રાપર તાલુકામાં પણ લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ખેંગારપર, રામવાવ, ગવરીપર, સુવઇ, વણોઇ, કુડા અને આજુબાજુના વિસ્તારોમાં આંચકાથી લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.