ભુજઃ કચ્છી નવા વર્ષ અષાઢી બીજની આ વર્ષે પણ ઠેર ઠેર ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નખત્રાણા તાલુકાના વિથોણ ગામે પણ ૪૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી. વિથોણ તેમજ ખેતાબાપાને માનતા ગામ બહાર વસતા ભાવિકો મસ્તક નમાવવા અષાઢી બીજે ગામમાં આવે છે. ચારસો વર્ષ પહેલાં ખેતાબાપાએ જીવતા સમાધિ લીધી હતી. ત્યારથી જ પૂજય બાપાની સમાધિએ ચોખા, માતર (સુખડી જેવી મીઠાઈ) અને શ્રીફળ ચડાવાય છે.
અષાઢી બીજના દિવસે વિથોણ ગામની પરંપરા મુજબ ગામની દરેક શેરીઓમાં બહેનો પ્રસાદનો થાળ, જળ, ધજા (સફેદ) અને અગરબત્તી સાથે બાપાના ભજન કીર્તન કરતા કરતા પ્રસાદ ચડાવવા જાય છે. આ દિવસે અહીં વ્યકિત દીઠ (જેટલા પુરુષ હોય તેના માથા દીઠ) શ્રીફળ વધેરવામાં આવે છે. આ વર્ષે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ દાંડિયા રાસ (મહારાસ) યોજવામાં આવ્યા હતા.
અષાઢી બીજે એટલે કે કચ્છી નવા વર્ષે સવારના ભાગમાં પરંપરા પ્રમાણે જ ભાવ ભક્તિથી સંત ખેતાબાપાની પેડી કરવામાં આવી હતી. આ પેડીમાં લોકોએ પરંપરાગત પ્રસાદ ચડાવી બાપાના સ્થાનકે મસ્તક નમાવ્યા હતા. ત્યારબાદ સ્થાનકે મહાઆરતી કરવામાં આવી હતી. બાપા પાસે અબોલા જીવો માટે વરસાદની આરાધના કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરના મહાપ્રસાદ (ધરમડો) જે ખેતાબાપા કરતા હતા એ રીત રિવાજ પ્રમાણે જ થયો હતો. આ ધરમડામાં દરેક સમાજના લોકોને પ્રેમભાવથી જમાડવામાં આવ્યા હતા. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ કે વડીલોને નવોઢાઓના હસ્તે સ્નાન કરાવવાનું હોય છે. બપોર પછી ગામની નવોઢાઓ ચોખ્ખા પાણીથી પૂજય ખેતાબાપાના ચરણ પખાળે છે ને બાપાની સમાધિને નવડાવે છે.
પરિસરમાંથી પાણીના બેડા ભરીને ખેતાબાપાના ગીત, ભજન ગાતી ગાતી ગામમાં પરત આવે છે અને ચારસો વર્ષ ઉપરથી ચાલી આવતી આ ગામની પરંપરા મુજબ ૫૦ વર્ષથી ઉપરના તમામ વડીલો ગામના ચોકમાં લાઈન સર બેસે છે. નવોઢાઓ તેમને પિતૃભાવથી સ્નાન કરાવે છે અને વડીલો પાસેથી નવોઢાઓ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મેળવે છે.