ભુજ: કચ્છના આકાશમાં તાજેતરમાં જોવા મળેલા દૃશ્યએ લોકોમાં આકર્ષણ સાથે ચર્ચા સર્જી હતી. ૨૭મીએ રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં જાણે આકાશમાં એકસાથે અનેક ઊડતી રકાબી અથવા તો અવકાશી ટ્રેન જતી હોય તેવું જોવા મળ્યું હતું. એક જ હરોળમાં જઈ રહેલા આ અવકાશી ટમટમિયાઓએ લોકોમાં આશ્ચર્ય સજર્યું હતું. કચ્છના જાણીતા એસ્ટ્રોનોમર નરેન્દ્ર ગોર 'સાગરે' જણાવ્યું હતું કે, કચ્છમાં આ નઝારો બન્ની અને નલિયા વિસ્તારના ગામો નિરોણા, ગોરેવાલી, કોઠારાના આકાશમાં જોવા મળ્યો હતો. નરેન્દ્ર ગોરના જણાવ્યા પ્રમાણે આ એક સ્ટાર લિંક હતી, જે અમેરિકા દ્વારા સ્પેસ ફાલકન રોકેટથી ૬૦ ઈન્ટરનેટ કમ્યુનિકેશન માટેના સેટેલાઇટને પૃથ્વીની ધરીની નજીક છોડવામાં આવ્યા હતા. ૪૪૦ કિમીની ભ્રમણકક્ષામાં એકબીજાની નજીક ફરતા આ ૬૦ સેટેલાઈટના સમૂહે યુરોપમાં પણ આશ્ચર્ય સજર્યા હતા.
આ સમયે કચ્છના રણમાં દેખાતી છરબત્તી યાદ તાજી થઈ હતી. રાત્રે રણના આકાશમાં ચમકતી છરબત્તીનો ભેદ હજી સુધી કોઈ ઉકેલી શકયું નથી. જોકે, કચ્છમાં દેખાયેલી ૬૦ સેટેલાઇટની સ્ટાર લિંક નેધરલેન્ડના આકાશમાં પણ દેખાઈ હતી અને તેની તસવીર ત્યાંના એસ્ટ્રોનોમર ડો. માર્કો લેન્ગબ્રોક દ્વારા લેવાઈ હતી.