સુખ-દુ:ખમાં હંમેશા પડખે રહેનાર પત્ની કૌશલ્યાદેવીના બે વર્ષ પૂર્વે આકસ્મિક મૃત્યુથી પ્રગતિનગર સોસાયટીમાં રહેતા નિવૃત રેલવે કર્મી રામચરણ ઇન્દોરાના જીવનમાં એકલતા સર્જાઇ હતી. ઢળતી વયે પરસ્પર હુંફ રહે અને ઓશિયાળું જીવન ન જીવવું પડે તે માટે રામચરણ ઇન્દોરાએ પુન: લગ્નના મુકેલા પ્રસ્તાવનો ચાર પુત્રોએ પહેલાં વિરોધ કર્યો હતો. જોકે બાદમાં પિતા માટે ઘડપણના સહારાની શોધ શરૂ કરી હતી.
પિતા માટે ‘લાયક જીવનસાથી’ની તલાશ દરમિયાન રાજસ્થાનના ૫૫ વર્ષના ત્યકતા સુમિત્રાદેવીએ પોતાનાથી ૨૨ વર્ષ મોટા રામચરણદાસ સાથે લગ્નની સંમતિ આપતાં પુત્રોના પરિવારની હાજરીમાં તાજેતરમાં આ દંપતીના અમદાવાદમાં આર્ય સમાજની વિધિથી લગ્ન થયા હતા. રામચરણદાસના જણાવ્યા મુજબ તેઓ પુત્રો પર કયારેય નિર્ભર રહ્યા નથી અને જીવનના આખરી પડાવમાં પણ તેમને સેવાથી મુકત રહેવા પુન: લગ્ન કર્યા છે. જ્યારે સુમિત્રાદેવીએ આ લગ્નને શરતો વિનાનું પવિત્ર બંધન ગણાવ્યું હતું. પુત્ર ચન્દ્રપ્રકાશ પિતા માટે સુપાત્રની શોધમાં હતા. તેમની ત્યકતા સાળી સમક્ષ પિતા માટે લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો. જે કેટલાક સમય બાદ તેમને સ્વીકારતાં સુમિત્રાદેવી તેની નાની બહેનનાં સાસુ બન્યા છે જ્યારે રામચરણદાસ વેવાઇમાંથી જમાઇ બન્યા છે.